7th Pay Commission DA hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં વધારાની રાહ ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે અને મંજૂરી મળ્યા બાદ જાન્યુઆરી 2025થી નવું ડીએ લાગુ કરવામાં આવશે. એટલે કે કર્મચારીઓને માર્ચના પગારમાં વધારા સાથે બે મહિનાનું ડીએ એરિયર્સ પણ મળી શકે છે. જો કે, આ વખતે વધારાની ટકાવારીને લઈને કર્મચારીઓમાં નિરાશા જોવા મળી શકે છે.
છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર હોળીની આસપાસ દર વર્ષે ડીએમાં વધારો જાહેર કરતી આવી છે. પરંતુ ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ના ડેટા અનુસાર, આ વખતે ડીએમાં માત્ર 2 ટકાનો વધારો થવાની સંભાવના છે, જે છેલ્લા 7 વર્ષની સરખામણીમાં સૌથી ઓછો હશે. જુલાઈ 2018 થી સરકારે દર વખતે ઓછામાં ઓછા 3% અથવા 4% ડીએમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં, માત્ર 2 ટકાનો વધારો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને નિરાશ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે કોવિડ-19 રોગચાળા દરમિયાન સરકારે જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધી 18 મહિના માટે ડીએ વધારા પર રોક લગાવી દીધી હતી. કર્મચારી સંગઠનો ત્યારથી આ સમયગાળાના વળતરની માંગ કરી રહ્યા છે, કારણ કે તે દરમિયાન ત્રણ ડીએ વધારા બાકી હતા.
જાન્યુઆરી 2016માં લાગુ કરાયેલા 7મા પગાર પંચ હેઠળ મૂળ પગારમાં 125% મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવ્યું હતું. ત્યારબાદ જુલાઈ 2016થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત દર વર્ષે બે વાર સંશોધિત કરવામાં આવે છે. જુલાઈ-ડિસેમ્બર 2024 માટેના છેલ્લા સુધારા પછી ડીએ 53%ના સ્તરે પહોંચી ગયું છે. હવે, જુલાઈ-ડિસેમ્બરના AICPI ડેટાના આધારે જાન્યુઆરીથી જૂન 2025ના સમયગાળા માટે ડીએમાં 2%નો વધારો થવાની ધારણા છે.
ડીએમાં આ 2%નો વધારો જુલાઈ 2018 પછીનો સૌથી ઓછો વધારો હશે. છેલ્લો લઘુત્તમ વધારો જુલાઈથી ડિસેમ્બર 2018ના સમયગાળા માટે હતો અને તે પણ માત્ર 2% જ હતો. મોંઘવારી ભથ્થાનો દર ઔદ્યોગિક કામદારો માટેના ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI-IW)ના આધારે નક્કી કરવામાં આવે છે.
આ વખતનો ડીએ વધારો એટલા માટે પણ ખાસ છે કારણ કે 16 જાન્યુઆરી, 2025ના રોજ 8મા પગાર પંચની રચનાની જાહેરાત બાદ આ પ્રથમ વધારો હશે. 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2026થી લાગુ કરવામાં આવશે. હાલમાં તમામની નજર સરકારના નિર્ણય પર ટકેલી છે અને કર્મચારીઓ આશા રાખી રહ્યા છે કે ડીએમાં 2%થી વધુ વધારો કરવામાં આવશે.