8th Pay Commission Salary Hike: કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 2% વધારાને મંજૂરી આપી છે. આ વધારા બાદ કર્મચારીઓનો DA વર્તમાન 53% થી વધીને 55% થશે. મોંઘવારી ભથ્થામાં દર 6 મહિને સુધારો કરવામાં આવે છે, જે કર્મચારીઓના પગારના અન્ય ભાગો જેમ કે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) અને મુસાફરી ભથ્થું (TA) માં પણ વધારો કરે છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025ના એરિયર્સના રૂપમાં મોંઘવારી ભથ્થું આપવામાં આવશે.  આ નવો DA માર્ચ 2025ના પગાર સાથે લાગુ કરવામાં આવશે.

આગામી DA રિવિઝન ક્યારે થશે ?

મોંઘવારી ભથ્થાની આગામી સમીક્ષા નવેમ્બર 2025 માં થશે, જે જુલાઈ 2025 થી અસરકારક ગણવામાં આવશે. 7મા પગાર પંચ હેઠળ આ છેલ્લું DA રિવિઝન હશે, કારણ કે સરકારે જાન્યુઆરી 2026 થી 8મું પગાર પંચ લાગુ કરવાની જાહેરાત કરી છે. DA એ પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, કારણ કે તે ફુગાવાની અસરને ઘટાડવામાં મદદ કરે છે.

પીએમ મોદીએ 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી

કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. જો કે, કેન્દ્રીય બજેટ 2025-26ના દસ્તાવેજમાં 8મા પગાર પંચ માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવનાર ખર્ચનો કોઈ ઉલ્લેખ નથી.

ફિટમેન્ટ ફેક્ટર શું છે ?

ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જેનો ઉપયોગ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના સુધારેલા મૂળભૂત પગારની ગણતરી કરવા માટે થાય છે. 7મા પગાર પંચે તમામ કર્મચારીઓ માટે 2.57નું ફિટમેન્ટ ફેક્ટર સમાન રીતે લાગુ કરવાની દરખાસ્ત કરી હતી. જ્યારે છઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર લગભગ 1.86 હતું. આને ધ્યાનમાં રાખીને, નિષ્ણાતોનું માનવું છે કે 8મું પગાર પંચ 2.28 થી 2.86 વચ્ચે ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી શકે છે, જેના કારણે કર્મચારીઓના મૂળ પગારમાં 40-50 ટકાનો વધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીના મૂળ પગાર પર લાગુ થાય છે, કુલ પગાર પર નહીં.

8મા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓનો પગાર કેટલો વધશે ?

અહેવાલ મુજબ, નિષ્ણાતોનું કહેવું છે કે 8મા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થવાને કારણે આવું થશે.  સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં 25-30 ટકાનો વધારો થવાની સંભાવના છે અને આ પ્રમાણમાં પેન્શન પણ વધી શકે છે.