8th Pay Commission latest news: કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8માં પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન (IRTSA) અને અન્ય રેલવે યુનિયનોએ સરકાર સમક્ષ કેટલીક મોટી માંગણીઓ મૂકી છે. યુનિયનોએ મોંઘવારી ભથ્થા (DA) અને મકાન ભાડા ભથ્થા (HRA) ની ગણતરીની જૂની પદ્ધતિઓમાં ધરખમ ફેરફારો કરવા પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત, મૂળ પગાર વધારવા, ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર કરવા, રજાના રોકડીકરણ (Leave Encashment) અને નિવૃત્તિ યોજનાઓમાં પણ સુધારા કરવાની રજૂઆત કરવામાં આવી છે. આ માંગણીઓ સંતોષાશે તો રેલવે કર્મચારીઓને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે.
રેલવે યુનિયનોનું કહેવું છે કે હવે જમાનો બદલાઈ ગયો છે, તેથી DA ની ગણતરી માટે વપરાતા ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) માં આજના સમયની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ. જેમાં ઈન્ટરનેટનું બિલ, પીવાનું બોટલનું પાણી અને હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમને પણ સામેલ કરવા જોઈએ. સાથોસાથ એવી પણ માંગ છે કે જ્યારે DA 50% એ પહોંચે, ત્યારે 5માં પગાર પંચની જેમ જ તેને મૂળ પગારમાં (બેઝિક સેલેરીમાં) મર્જ કરી દેવું જોઈએ.
અત્યારે HRA માટે શહેરોને 3 કેટેગરી (X, Y અને Z) માં વહેંચવામાં આવ્યા છે. પરંતુ, એસોસિએશન ઈચ્છે છે કે આને 4-સ્તરીય સિસ્ટમમાં બદલવામાં આવે. જે મુજબ, 50 લાખથી વધુ વસ્તીવાળા 'A' કેટેગરીના શહેરોમાં 40% HRA, 20 થી 50 લાખની વસ્તીવાળા 'B' કેટેગરીના શહેરોમાં 30% HRA, 5 થી 20 લાખની વસ્તી ધરાવતા 'C' કેટેગરીના શહેરોમાં 20% HRA અને 5 લાખથી ઓછી વસ્તીવાળા 'D' કેટેગરીના શહેરોમાં 10% HRA મળવું જોઈએ.
આટલું જ નહીં, યુનિયનની અન્ય મુખ્ય માંગણીઓમાં લઘુત્તમ બેઝિક પગાર 18,000 થી વધારીને 52,600 થી 69,000 સુધી કરવાની અને પગાર વધારા માટેનું ફિટમેન્ટ ફેક્ટર 2.86 થી વધારીને 3.83 કરવાની માંગ પણ સામેલ છે. બાળકોના ભણતર માટે મળતા ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ (CEA) માં દર મહિને 10,000 આપવાની અને આ લાભ છેક પોસ્ટ-ગ્રેજ્યુએશન સુધી ચાલુ રાખવાની રજૂઆત પણ કરાઈ છે.
કેન્દ્રીય કર્મચારીઓની લોટરી! 8મા પગાર પંચમાં DA સાથે બદલાશે વેતન ફોર્મ્યુલા, જાણો વિગત
નોકરી દરમિયાન પ્રમોશન અને આર્થિક ફાયદા માટે યુનિયને 'ખાતરીપૂર્વકની કારકિર્દી પ્રગતિ યોજના' (MACP) માં સુધારો સૂચવ્યો છે. હાલમાં કર્મચારીઓને પોતાની કારકિર્દીમાં બહુ ઓછા નાણાકીય સુધારા મળે છે, પણ હવે 30 વર્ષની નોકરીમાં 5 વખત આર્થિક લાભ આપવાની માંગ છે. આ મુજબ જ્યારે કર્મચારી નોકરીના 6, 12, 18, 24 અને 30 વર્ષ પૂરા કરે ત્યારે તેને વળતર મળવું જોઈએ. જેનાથી કર્મચારીઓની આર્થિક સુરક્ષા વધશે.
છેલ્લે, રજાના રોકડીકરણ (લીવ એન્કેશમેન્ટ) ના નિયમોમાં પણ ફેરફાર સૂચવાયા છે. યુનિયન મુજબ, નોકરી દરમિયાન જમા થયેલી રજાઓમાંથી ઓછામાં ઓછી અડધી રજાઓ માટે રોકડ વળતર મળવું જોઈએ. સાથે જ નિવૃત્તિ વખતે રોકડ વળતરની મહત્તમ મર્યાદા જે અત્યારે 300 દિવસની છે, તે વધારીને 600 દિવસ કરવાની માંગ કરાઈ છે, જેથી વર્ષો સુધી ભેગી કરેલી રજાઓનું કર્મચારીઓને પૂરતું અને યોગ્ય વળતર મળી શકે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: જુલાઈમાં DA 3% વધી શકે, જાણો પગારમાં કેટલો વધારો થશે!
