8th Pay Commission salary hike: ભારતીય રેલવે આગામી 8મા પગાર પંચના અમલીકરણને લઈને અત્યારથી જ સતર્ક થઈ ગયું છે. નવા પગાર પંચ બાદ કર્મચારીઓના પગારમાં તોતિંગ વધારો થવાની શક્યતા છે, જેના કારણે રેલવેની તિજોરી પર મોટો આર્થિક બોજ પડશે. આ સ્થિતિને પહોંચી વળવા માટે રેલવેએ અત્યારથી જ બિનજરૂરી ખર્ચાઓ, મેન્ટેનન્સ અને ઉર્જા ખર્ચમાં કાપ મૂકવાની કવાયત હાથ ધરી છે, જેથી નાણાકીય સંતુલન જળવાઈ રહે અને વધેલા પગારનું ભારણ સહન કરી શકાય.
7મા પગાર પંચનો ઈતિહાસ અને વર્તમાન તૈયારી
'ઈકોનોમિક ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, જ્યારે 7મું પગાર પંચ લાગુ થયું હતું ત્યારે રેલવે કર્મચારીઓના પગારમાં 14% થી 26% સુધીનો નોંધપાત્ર વધારો થયો હતો. 7મા પગાર પંચનો 10 વર્ષનો કાર્યકાળ જાન્યુઆરી 2026 માં પૂર્ણ થઈ રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં રચાયેલા 8મા પગાર પંચે 18 મહિનાની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે પગાર વધારાની અસર રેલવેના બજેટને ખોરવી ન નાખે તે માટે આગામી બે વર્ષમાં 'ઓપરેટિંગ કોસ્ટ' ઘટાડવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
તિજોરી પર વાર્ષિક ₹30,000 કરોડનો બોજ વધશે
આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, 7મા પગાર પંચ વખતે રેલવેના પગાર અને પેન્શન બિલમાં વાર્ષિક ₹22,000 કરોડનો વધારો થયો હતો. જોકે, 8મા પગાર પંચના અમલીકરણ બાદ આ આંકડો વધીને વાર્ષિક ₹30,000 કરોડ સુધી પહોંચી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ ET ને જણાવ્યું કે, "અમે આ વધારાના ભંડોળને પહોંચી વળવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. જેમાં આંતરિક સ્ત્રોતોમાંથી બચત કરવી અને માલસામાન (ફ્રેટ)ની આવક વધારવા પર ભાર મૂકવામાં આવશે."
યુનિયન દ્વારા 2.86 ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ
પગાર વધારાનું ગણિત 'ફિટમેન્ટ ફેક્ટર' પર આધારિત હોય છે.
7મું પગાર પંચ: તે સમયે 2.57 નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરાયું હતું, જેનાથી લઘુત્તમ પગાર ₹7,000 થી વધીને સીધો ₹17,990 થયો હતો.
8મું પગાર પંચ: કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ આ વખતે 2.86 ના ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરી છે.
રેલવેમાં કર્મચારીઓની સંખ્યા સૌથી વધુ હોવાથી, જો આ માંગ સ્વીકારાય તો રેલવેના કુલ પગાર બિલમાં 22% થી વધુનો ઉછાળો આવી શકે છે.
લોન લેવાને બદલે બચત પર ફોકસ: ₹5,000 કરોડ બચાવવાનો લક્ષ્યાંક
રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે પગાર ચૂકવવા માટે બજારમાંથી નવી ટૂંકા ગાળાની લોન લેવાની કોઈ યોજના નથી. તેના બદલે આવક વધારવા પર કામ થશે:
ઉર્જા બિલમાં કાપ: રેલ નેટવર્કના સંપૂર્ણ વિદ્યુતીકરણ (Electrification) બાદ ડિઝલ પાછળ થતો ખર્ચ ઘટશે, જેનાથી વાર્ષિક અંદાજે ₹5,000 કરોડ ની બચત થશે.
ફ્રેટ આવક: વર્ષ 2027-28 સુધીમાં રેલવેની માલસામાન હેરફેરની આવકમાં ₹15,000 કરોડ નો વધારો થવાનો અંદાજ છે.
બજેટમાં જોગવાઈ: નાણાકીય વર્ષ 2025-26 માટે રેલવેએ સ્ટાફના પગાર માટે ₹1.28 લાખ કરોડ નું બજેટ ફાળવ્યું છે, જે ગત વર્ષના ₹1.17 લાખ કરોડ કરતા ₹11,000 કરોડ વધારે છે. જ્યારે પેન્શન ફંડ માટે ₹68,602.69 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.