8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની નજર હવે 8મા પગાર પંચ પર મંડાયેલી છે. જો નવી ભલામણો 2028 માં લાગુ કરવામાં આવે છે, તો કર્મચારીઓને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. અંદાજ મુજબ, પગાર અને પેન્શનમાં 30 થી 34 ટકાનો વધારો થવાની શક્યતા છે. સૌથી મહત્વની વાત એ છે કે જો અમલીકરણમાં વિલંબ થાય, તો કર્મચારીઓને 24 મહિનાનું જંગી એરિયર્સ (બાકી રકમ) મળી શકે છે. આ લેખમાં આપણે ફિટમેન્ટ ફેક્ટર અને એરિયર્સની સંપૂર્ણ ગણતરી સરળ ભાષામાં સમજીશું.
દેશના 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 69 લાખ પેન્શનરો 8મા પગાર પંચના અમલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2025 ના રોજ પૂર્ણ થવા જઈ રહ્યો છે. આ સ્થિતિમાં સરકારે નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં નવા પંચની રચના કરી દીધી છે. જોકે, પંચને રિપોર્ટ સોંપવા માટે લગભગ 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જે એપ્રિલ 2027 સુધીમાં તૈયાર થવાની ધારણા છે. સરકાર સામાન્ય રીતે રિપોર્ટના અભ્યાસ બાદ તેને લાગુ કરવામાં 6 મહિના જેટલો સમય લેતી હોય છે. તેથી, એવી પ્રબળ શક્યતા છે કે નવું પગાર પંચ જાન્યુઆરી 2026 ને બદલે 2028 ની શરૂઆતમાં વાસ્તવિક રીતે અમલમાં આવે.
પગાર વધારામાં સૌથી મહત્વનું પાસું 'ફિટમેન્ટ ફેક્ટર' હોય છે. આ તે આંકડો છે જેના વડે તમારા હાલના બેઝિક પગારને ગુણીને નવો પગાર નક્કી કરવામાં આવે છે. વર્તમાન અહેવાલો સૂચવે છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.83 થી 2.46 ની વચ્ચે રહી શકે છે. એમ્બિટ કેપિટલના અંદાજ મુજબ, કર્મચારીઓના પગારમાં એકંદરે 30% થી 34% નો વધારો જોવા મળી શકે છે. જો કોઈ કર્મચારીનો હાલનો બેઝિક પગાર ₹18,000 હોય અને ફિટમેન્ટ ફેક્ટર 1.83 રાખવામાં આવે, તો નવો પગાર ₹32,940 થઈ શકે છે. જો ફેક્ટર વધારીને 2.46 કરાય, તો આ રકમ ₹44,280 સુધી પહોંચી શકે છે. આમ, માસિક પગારમાં સીધો ₹11,000 થી ₹12,000 નો વધારો થઈ શકે છે.
હવે વાત કરીએ એરિયર્સના ગણિતની. જો સરકાર 8મા પગાર પંચને પૂર્વવત અસરથી એટલે કે જાન્યુઆરી 2026 થી માન્ય રાખે અને તેનો વાસ્તવિક અમલ જાન્યુઆરી 2028 માં કરે, તો કર્મચારીઓને પૂરા 24 મહિના (2 વર્ષ) નું એરિયર્સ મળવાપાત્ર થશે. ઉદાહરણ તરીકે, જો લઘુત્તમ પગાર વધારો માસિક ₹11,900 ગણીએ, તો 24 મહિનાના હિસાબે એક કર્મચારીને આશરે ₹2.85 લાખ થી ₹3 લાખ સુધીની રકમ એરિયર્સ પેટે એકસાથે મળી શકે છે. ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓ માટે આ આંકડો ઘણો મોટો હોઈ શકે છે.
આ પંચ માત્ર બેઝિક પગાર જ નહીં, પરંતુ ઘર ભાડું ભથ્થું (HRA), ટ્રાવેલ એલાઉન્સ (TA) અને ગ્રેચ્યુઈટી જેવા અન્ય લાભોમાં પણ સુધારા કરશે. હાલમાં જ્યાં સુધી નવું પંચ લાગુ ન થાય ત્યાં સુધી કર્મચારીઓને જૂના માળખા મુજબ મોંઘવારી ભથ્થું (DA) મળતું રહેશે. સરકાર બજેટ અને નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેશે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે વિલંબનો ફાયદો કર્મચારીઓને મોટી રકમના એરિયર્સ સ્વરૂપે મળશે.