Aadhaar Card Free Update 2026: જો તમે છેલ્લા 10 વર્ષમાં તમારું આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યું, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ લોકોને એક મોટી રાહત આપતા આધારમાં ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ અપડેટ કરવાની અંતિમ તારીખ લંબાવીને 14 જૂન 2026 કરી દીધી છે. એટલે કે, તમે 14 જૂન સુધી કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવ્યા વગર ઘરબેઠા જ તમારા આધાર કાર્ડમાં ઓળખ અને સરનામાના પુરાવાઓ (POI/POA) અપડેટ કરી શકશો. જોકે, આ ડેડલાઈન વીતી ગયા પછી અપડેટ કરાવવા પર તમારે નિયત ફી ચૂકવવી પડશે.
શા માટે અપડેટ કરાવવું છે જરૂરી?
છેલ્લા 10 વર્ષના સમયગાળામાં તમારું સરનામું અથવા અન્ય માહિતીઓ બદલાઈ ગઈ હોઈ શકે છે. તેથી, આધારમાં એકદમ સચોટ માહિતી હોવી જરૂરી છે. આધાર અપડેટ રાખવાથી તમને અનેક ફાયદાઓ થાય છે:
સરકારી યોજનાઓ અને સબસિડીનો લાભ કોઈ પણ અડચણ વગર મળતો રહે છે.
બેંકમાં KYC કરાવવાની પ્રક્રિયા એકદમ સરળ બની જાય છે.
નવું સિમ કાર્ડ લેવા કે અન્ય કોઈ પણ જગ્યાએ ઓળખની ચકાસણી કરવામાં મુશ્કેલી પડતી નથી.
મફત ઓનલાઈન અપડેટ કેવી રીતે કરશો?
ખાસ ધ્યાન રાખો કે આ મફત સુવિધા માત્ર 'myAadhaar' પોર્ટલ પર જ ઉપલબ્ધ છે. જો તમે કોઈ આધાર કેન્દ્ર પર જઈને અપડેટ કરાવશો તો તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે.
સૌથી પહેલાં myAadhaar પોર્ટલ પર જાઓ અને તમારા આધાર નંબર અને મોબાઈલ પર આવતા OTP ની મદદથી લોગ-ઈન કરો.
ત્યારબાદ 'ડોક્યુમેન્ટ અપડેટ' વિકલ્પ પર ક્લિક કરો.
પાન કાર્ડ, વોટર આઈડી જેવા ઓળખ અને સરનામાના પુરાવાની સ્કેન કરેલી કોપી અપલોડ કરો. (ધ્યાન રાખો કે ફાઈલની સાઈઝ 2MB કરતા ઓછી અને તે JPEG, PNG અથવા PDF ફોર્મેટમાં હોવી જોઈએ).
આટલું કર્યા પછી ફોર્મ સબમિટ કરો. છેલ્લે તમને એક સર્વિસ રિક્વેસ્ટ નંબર (SRN) મળશે, જેને સાચવીને રાખો જેથી તમે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરી શકો.
બાળકો માટે 'બાલ આધાર' પણ છે જરૂરી
આ ઉપરાંત, જો તમારા ઘરમાં 5 વર્ષ કે તેથી ઓછી ઉંમરનું કોઈ બાળક છે અને તેને શાળામાં એડમિશન કે અન્ય કામ માટે આધાર કાર્ડની જરૂર છે, તો તમે આસાનીથી તેનું કાર્ડ કઢાવી શકો છો. નાના બાળકો માટે કઢાવવામાં આવતા આ કાર્ડને "બાલ આધાર" કહેવાય છે. UIDAI એ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે તે ફરજિયાત બનાવ્યું છે અને તેની પ્રક્રિયા એકદમ સરળ છે.
બાલ આધાર માટે બહુ બધા ડોક્યુમેન્ટ્સની જરૂર પડતી નથી. બાળકની ઓળખ અને ઉંમર સાબિત કરવા માટે માત્ર જન્મનું પ્રમાણપત્ર (બર્થ સર્ટિફિકેટ) અથવા હોસ્પિટલની ડિસ્ચાર્જ સ્લિપ પૂરતી છે. કારણ કે બાળકનું આધાર તેના માતાપિતા સાથે લિંક થાય છે, તેથી માતા કે પિતામાંથી કોઈ એકનું આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. આની સાથે એક એડ્રેસ પ્રૂફ જોડીને તમે સરળતાથી બાલ આધાર માટે અરજી કરી શકો છો.
