Adani Group Stocks: ભારતીય શેરબજારમાં આજે એટલે કે મંગળવારના શરૂઆતના કારોબારમાં ઉતાર-ચઢાવનો ટ્રેન્ડ ચાલુ છે. દરમિયાન, અદાણી ગ્રુપની કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી વિલ્મર, અદાણી ટ્રાન્સમિશન વગેરેના શેરમાં તેજી જોવા મળી રહી છે.


અદાણી ગ્રૂપના ઘણા શેરોમાં આજે મંગળવારે તેજી જોવા મળી હતી. અદાણી ટ્રાન્સમિશન, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી વિલ્મર, અદાણી ગ્રીન અને અદાણી પોર્ટ્સમાં સારી ખરીદી છે. અદાણી એન્ટરપ્રાઈઝના શેર આજે મંગળવારે શરૂઆતના વેપારમાં 20% સુધી ચઢ્યા હતા. કંપનીનો શેર રૂ.1886.85 પર ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે, સમાચાર લખાય છે ત્યાં સુધી, અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 5%નો વધારો થયો હતો. કંપનીના શેર રૂ.1,317.60ના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા.


નોંધનીય છે કે, અદાણી ટ્રાન્સમિશનના ત્રિમાસિક પરિણામો સારા આવ્યા પછી શેરમાં તેજી જોવા મળી રહી છે. તે જ સમયે, અદાણી પોર્ટ્સના શેરમાં આજે 3.38%નો વધારો થયો છે. આ સિવાય અદાણી વિલ્મરનો શેર આજે 5%ની અપર સર્કિટ પર પહોંચી ગયો છે. અદાણી ગ્રીનના શેર પણ 1% કરતા વધારે વધી ગયા છે. જણાવી દઈએ કે આજે અદાણી ગ્રીન, અદાણી પોર્ટ અને અંબુજા સિમેન્ટના ત્રિમાસિક પરિણામો આવવાના છે.


અદાણી ટ્રાન્સમિશનને થયો નફો


અદાણી ગ્રુપની કંપની અદાણી ટ્રાન્સમિશનએ સોમવારે તેના ડિસેમ્બર ક્વાર્ટર (Q3FY23)ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ Q3FY23 (ઓક્ટોબરથી ડિસેમ્બર)માં ₹474.7 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે એક વર્ષ અગાઉના ₹267 કરોડથી 77.8% વધુ છે. તે જ સમયે, કંપનીની આવકમાં 22% અને માર્જિનમાં 41.6% નો વધારો થયો છે.


અદાણીના આ શેરો લોઅર સર્કિટમાં છે


અદાણી ટોટલ ગેસ (Adani Total Gas), અદાણી પાવરના શેર આજે 5%ની નીચલી સર્કિટમાં છે. NDTVના શેરમાં 5%ની અપર સર્કિટ લાગી છે. અંબુજા સિમેન્ટના શેરમાં પણ નજીવો વધારો છે. આ સિવાય ACCના શેર પણ 1% સુધી ચઢ્યા છે.


તમને જણાવી દઈએ કે આજે અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરવા જઈ રહી છે. અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ એન્ડ SEZ અને અંબુજા સિમેન્ટ આજે તેમના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. જેના કારણે આજના બિઝનેસમાં અદાણી ગ્રુપના શેર ફોકસમાં રહેવાના છે.