Airline Crisis: વાડિયા ગ્રુપની ગો ફર્સ્ટ એરલાઈન્સ નાદારી નોંધાવવાના આરે છે. હજી આ મામલે એવિએશન ઈન્ડસ્ટ્રીમાં કળ નથી વળી ત્યાં દેશની વધુ એક એરલાઈન્સે ચિંતા વધારી છે. દેશની અન્ય એરલાઈન સામે નાદારી પ્રક્રિયાની સુનાવણી થવા જઈ રહી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એરલાઇન સ્પાઇસજેટના ધિરાણકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી નાદારીની અરજી પર આવતા અઠવાડિયે સુનાવણી કરશે. સ્પાઈસ જેટ સામેની નાદારી અરજીની સુનાવણી 8મી મેના રોજ NCLTમાં થશે.


NCLT સમક્ષ સ્પાઇસજેટ સામે કોણે અરજી દાખલ કરી?


લો કોસ્ટ એરલાઈન સેવા આપનારી સ્પાઇસજેટને ધિરાણ આપનાર કંપની એરક્રાફ્ટ લેસર એરકેસલ (આયર્લેન્ડ) લિમિટેડે નાદારી ઉકેલ પ્રક્રિયા શરૂ કરવા માટે NCLT સમક્ષ અરજી દાખલ કરી છે. આ અરજી 28 એપ્રિલે દાખલ કરવામાં આવી હતી. NCLTની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ટ્રિબ્યુનલની મુખ્ય બેન્ચ આ અરજી પર 8મી મેના રોજ સુનાવણી કરશે.


GoFirstએ પોતાની રીતે નાદારી રીઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી દાખલ કરી છે


આ પહેલા Go First વાડિયા ગ્રૂપની માલિકીની એરલાઇન પોતે જ NCLT સમક્ષ નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી દાખલ કરી હતી. GoFirstએ આર્થિક સંકટમાં આવીને આ અરજી દાખલ કરી છે, જેના પર સુનાવણી બાદ NCLTએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.


સ્પાઇસજેટના પ્રવક્તાએ શું કહ્યું?


નાદારી નોંધાવવા પર સ્પાઇસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ ઘટનાક્રમની એરલાઇનની કામગીરી પર કોઈ અસર થશે નહીં. એક નિવેદનમાં પ્રવક્તાએ આશા વ્યક્ત કરી કે, આ મુદ્દો કોર્ટની બહાર ઉકેલાઈ જશે. આ સાથે તેમણે કહ્યું હતું કે, હાલમાં આ ધિરાણકર્તાનું કોઈ વિમાન એરલાઈનના કાફલામાં સામેલ નથી. પ્રવક્તાએ કહ્યું હતું કે, આ એરક્રાફ્ટ લીઝિંગ ફર્મના તમામ એરક્રાફ્ટ પહેલાથી જ પરત કરી દેવામાં આવ્યા છે.


વધુ બે અરજીઓ પણ પેન્ડિંગ 


જોકે, NCLTની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, સ્પાઈસ જેટ સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરવા સંબંધિત અન્ય બે અરજીઓ પેન્ડિંગ છે. નાદારીની અરજી વિલિસ લીઝ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા 12 એપ્રિલે ફાઇલ કરવામાં આવી હતી, જ્યારે અકર્સ બિલ્ડવેલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 4 ફેબ્રુઆરીએ અરજી દાખલ કરવામાં આવી હતી. આ બંને અરજીઓ અંગે સ્પાઈસ જેટ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.