વર્ષ 2021 થોડા જ દિવસોમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે. નવા વર્ષ 2022ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ નવુ વર્ષ ઘણા ફેરફારો લાવશે. નવા વર્ષની સામાન્ય લોકો પર અસર થવાની છે. મોંઘવારીના માર વચ્ચે કપડા અને ફૂટવેર પર જીએસટી વધારે લાગશે. નવા વર્ષની શરુઆતથી જાન્યુઆરીથી ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થઈ જશે.
કપડાં અને ફૂટવેર મોંઘા
નવા વર્ષની શરુઆતથી કપડા અને ફૂટવેરની ખરીદી પર 12 ટકા જીએસટી લાગશે. ભારત સરકારે કપડાં, રેડીમેડ અને ફૂટવેર પર 7% GST વધારી દીધો છે. એ ઉપરાંત ઓનલાઈન મોડ દ્વારા ઓટોરિક્ષા બુકિંગ પર 5% GST વસૂલવામાં આવશે. એટલે કે ઓલા, ઉબેર જેવી એપ બેસ્ડ કેબ સર્વિસ પ્રોવાઈડર પ્લેટફોર્મ પરથી ઓટોરિક્ષાનું બુકિંગ કરવું હવે મોંઘું થઈ જશે. જો કે ઓફલાઈન રીતે ઓટોરિક્ષાના ભાડામાં કોઈ ફેરફાર નહીં થાય.
ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘું
RBIએ ફ્રી ટ્રાન્ઝેક્શન પછી રોકડ ઉપાડ પર ચાર્જ વધારવાની મંજૂરી આપી દીધી છે. બેંક તમામ ગ્રાહકો પાસેથી 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનનો ચાર્જ વસૂલે છે. એમાં ટેક્સ સામેલ નથી. RBIના જણાવ્યા પ્રમાણે, ફ્રી ટ્રાન્ઝેક્શન પછી બેંક તેના ગ્રાહકો પાસેથી પ્રતિ ટ્રાન્ઝેક્શન 20ને બદલે 21 રૂપિયા લઈ શકશે.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે ચાર્જ વધાર્યો
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ખાતાધારકોએ 1 જાન્યુઆરીથી એક નક્કી મર્યાદાથી વધુ રોકડ ઉપાડવા અને ડિપોઝિટ કરવા પર ચાર્જ ચૂકવવો પડશે. બેઝિક સેવિંગ્સ અકાઉન્ટમાંથી દર મહિને 4 વખત રોકડ ઉપાડવાનું ફ્રી છે, પરંતુ એના પછી દરેક ઉપાડ પર 0.50% ચાર્જ આપવો પડશે, જે ઓછામાં ઓછો 25 રૂપિયા હશે. જોકે બેઝિક સેવિંગ્સ અકાઉન્ટમાં પૈસા જમા કરાવવા પર કોઈ ચાર્જ નહીં લાગે.
કાર ખરીદવી મોંઘી થશે
નવા વર્ષમાં મારુતિ સુઝુકી, રેનો, હોન્ડા, ટોયોટા, અને સ્કોડા સહિત લગભગ તમામ કાર કંપનીઓની કાર ખરીદવા માટે તમારે વધારે કિંમત ચૂકવવી પડશે. ટાટા મોટર્સ 1 જાન્યુઆરી 2022થી કોમર્શિયલ વ્હીકલની કિંમતોમાં 2.5%નો વધારો કરશે.