નવી દિલ્હીઃ દેશની સરકારી બેંક બેંક ઓફ બરોડા (BOB)એ 1 નવેમ્બરથી વિચિત્ર નિયમ બનાવ્યો છે. બેન્ક ઓફ બરોડામાં 1 નવેમ્બરથી એકાઉન્ટ ધારકે પોતાના રૂપિયા જમા કરવા અને ઉપાડવા પર પણ ચાર્જ ભરવો પડશે. કોઈ પણ એકાઉન્ટ ધારક હવે એક મહિનામાં પોતાના ખાતામાં ત્રણથી વધુ વાર રકમ જમા કરાવે કે ઉપાડે તો તેના પર ચાર્જ વસૂલવામાં આવશે. ઉપરાંત ચાલુ ખાતા અને ઓવરડ્રાફ્ટ પણ રોકડ ઉપાડ અને જમા કરાવવા પર ચાર્જ લગાવવામાં આવ્યો છે.


વેપારીઓ માટે માઠા સમાચાર છે કારણ કે બેંક ઓફ બરોડામાં કેશ ક્રેડિટ, ચાલુ ખાતા અને ઓવરડ્રાફ્ટ ખાતામાં રોજ એક લાખ રૂપિયા જમા કરાવવા પર કોઈ ચાર્જ નહીં લાગે પરંતુ એક લાખ રૂપિયાથી વધારે રકમ જમા કરાવવા પર ગ્રાહકોએ ચાર્જ ચૂકવવો પડશે.

આવા ખાતાધારકો જો દૈનિક એક લાખ રૂપિયાથી વધારે રકમ જમા કરાવે તો પ્રત્યેક 1000 રૂપિયા પર 1 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. જેમાં ઓછામાં ઓછા 50 રૂપિયા અને વધુમાં વધુ 20 હજાર રૂપિયા સુધી ચાર્જ બેંક લઈ શકશે.

ઉપરાંત ચાલુ ખાતા, કેશ ક્રેડિટ અને ડ્રાફ્ટ ખાતામાંથી એક મહિનામાં ત્રણ વખત જ રૂપિયા ઉપાડી શકાશે. ત્રણ વખત સુધી રૂપિયા ઉપાડવા પર કોઈ ચાર્જ નહીં લાગે પરંતુ તેનાથી વધારે વખત રૂપિયા ઉપાડવા પર દરેક ઉપાડ પર ગ્રાહકે 150 રૂપિયાનો ચાર્જ ભરવો પડશે.

બીજી બાજુ આરબીઆઈના નિયમ મુજબ 1લી નવેમ્બરથી 50 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતા વેપારીઓએ ફરજિયાત ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવો પડશે. તેના માટે ગ્રાહકો કે વેપારીઓ પાસેથી કોઈ ચાર્જ અથવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ વસુલવામાં નહીં આવે.