Bajaj Housing Finance IPO:  બજાજ ગ્રુપની ત્રીજી કંપનીના શેર ટૂંક સમયમાં માર્કેટમાં આવવાના છે. કંપનીએ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી છે, જે આવતા અઠવાડિયે ઓપન થવા જઇ રહ્યો છે. આ સાથે રોકાણકારો માટે અનિશ્ચિતતા દૂર થઈ ગઈ છે અને તેમને ખબર પડી ગઈ છે કે બજાજના આગામી આઈપીઓમાં બિડ કરવા માટે તેમને કેટલા પૈસાની જરૂર પડશે.


બજાજના આ શેર પહેલેથી જ બજારમાં છે


બજાજ હાઉસિંગ ફાઈનાન્સ પહેલા બજાજ ગ્રુપની 2 કંપનીઓ અગાઉથી બજારમાં લિસ્ટ છે. તે બંને શેર બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના છે. બજાજના બંને શેરની ગણતરી દેશના સૌથી મોટા શેરોમાં થાય છે અને તે બંને સેન્સેક્સના કમ્પોનેન્ટ છે.  હવે બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો આઈપીઓ આવી રહ્યો છે, જેમાં બજાજ ફાઈનાન્સ પ્રમોટરનો દરજ્જો ધરાવે છે.


કંપનીએ જણાવ્યું- પ્રાઇસ બેન્ડ કેટલી હશે


કંપનીએ કહ્યું છે કે IPOમાં તેના શેરની પ્રાઇસ બેન્ડ 66-70 રૂપિયા હશે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓના એક લોટમાં 214 શેર હશે. આનો અર્થ એ થયો કે બજાજના આ IPOમાં બિડ કરવા માટે રોકાણકારોને ઓછામાં ઓછા 14,980 રૂપિયાની જરૂર પડશે. રિટેલ રોકાણકારો વધુમાં વધુ 13 લોટ અથવા 1 લાખ 94 હજાર 740 રૂપિયાનું રોકાણ કરી શકશે.


આ IPOનું કુલ કદ 6,560 કરોડ રૂપિયા છે. જેમાં 3,560 કરોડ રૂપિયાના શેરના ફ્રેશ ઇશ્યૂ અને 3 હજાર કરોડ રૂપિયાના ઓફર ફોર સેલ સામેલ છે. બજાજનો આ IPO 9 સપ્ટેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે, જ્યારે બિડિંગ 11 સપ્ટેમ્બર સુધી કરી શકાશે. 13 સપ્ટેમ્બરે રોકાણકારોના ખાતામાં શેર જમા કરવામાં આવશે. માર્કેટમાં શેરનું લિસ્ટિંગ 16 સપ્ટેમ્બરે થશે.


બજાજ હાઉસિંગ ફાઇનાન્સ આ કામ કરે છે


બજાજ હાઉસિંગ ફાઇનાન્સ એ એચએફસી એટલે કે હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે, જે 2015 થી નેશનલ હાઉસિંગ બેન્ક પાસે રજિસ્ટર્ડ છે. કંપની હાઉસિંગ સેક્ટરમાં ફાઇનાન્સ સેવાઓ પૂરી પાડે છે. તેના ઉત્પાદનોમાં રહેણાંક અથવા કોમર્શિયલ પ્રોપર્ટીની ખરીદી અથવા રિનોવેશન ફાઇનાન્સિયલ સોલ્યૂશન સામેલ છે.


રિટેલ રોકાણકારો માટે આટલો મોટો હિસ્સો


IPOમાં 50 ટકા શેર QIB માટે આરક્ષિત છે અને 15 ટકા શેર NII માટે આરક્ષિત છે. IPOનો 35 ટકા રિટેલ રોકાણકારો માટે ઉપલબ્ધ રહેશે. કોટક મહિન્દ્રા કેપિટલ, બોફા સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, ગોલ્ડમેન સૅશ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ, જેએમ ફાઈનાન્સિયલ અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝને આઈપીઓના બુક-રનિંગ લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.