new bank checkbook rules 2026: જો તમે પણ બેંકના રોજના કામકાજ માટે ચેકબુકનો ઉપયોગ કરતા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. બેંક ઓફ ઈન્ડિયા (BOI) સહિત ઘણી સરકારી અને ખાનગી બેંકોએ ચેકથી થતા પેમેન્ટના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે બેંકો તેમના ગ્રાહકોને એક નવા 'આલ્ફાન્યૂમેરિક કોડ' (Alphanumeric Code) વાળી ચેકબુક આપવા લાગી છે.

Continues below advertisement

ગ્રાહકોને ભવિષ્યમાં કોઈ મોટું પેમેન્ટ કરતી વખતે અટકવું ન પડે, તે માટે બેંકો દ્વારા તેમને સતત SMS અને ઈમેલ મોકલીને નવી ચેકબુક માટે અરજી કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

નિયમ બદલવાની કેમ પડી જરૂર?

Continues below advertisement

નવી ગાઈડલાઈન મુજબ, 31 ડિસેમ્બર, 2026 પછી ₹50,000 કે તેનાથી વધુ રકમના એવા જૂના ચેક નહિ સ્વીકારાય જેમાં આલ્ફાન્યૂમેરિક કોડ ન હોય. આ કોડ ખરેખર અંગ્રેજી અક્ષરો અને આંકડાઓનું એક અનોખું મિશ્રણ છે, જે ચેકની ઓળખ અને વેરિફિકેશનને વધુ સચોટ અને સુરક્ષિત બનાવે છે.

છેતરપિંડી અને નકલી ચેકના કિસ્સાઓ રોકવા માટે જ આ કડક પગલું લેવાયું છે. આ ઉપરાંત, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ચેક ક્લિયર થવાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માંગે છે. 'ચેક ટ્રંકેશન સિસ્ટમ' (CTS) મારફતે કાગળના ચેકને ડિજિટલ સ્વરૂપમાં ફેરવવાથી હવે ચેક ક્લિયર થવામાં લાગતો સમય ઘણો ઓછો થઈ ગયો છે.

નવી ચેકબુકના ચાર્જ અને બેંકના નિયમો

તમારું ખાતું કયા પ્રકારનું છે તેના આધારે નવી ચેકબુક કઢાવવાનો ચાર્જ અલગ-અલગ બેંકોમાં જુદો હોઈ શકે છે:

બેંક ઓફ ઈન્ડિયા (BOI): સેવિંગ્સ એકાઉન્ટ (બચત ખાતા) ધરાવતા ગ્રાહકોને દર વર્ષે 25 પાનાની એક ચેકબુક ફ્રીમાં આપવામાં આવે છે. જો તે પૂરી થઈ જાય, તો વધારાના દરેક પેજ માટે ₹5 નો ચાર્જ ચૂકવવો પડે છે.

અન્ય બેંકો: બીજી સરકારી અને પ્રાઈવેટ બેંકોમાં આ ચાર્જ તેમના પોતાના આંતરિક નિયમો અનુસાર અલગ-અલગ લાગુ પડી શકે છે.

ચેક શું છે અને તે કેટલા પ્રકારના હોય છે?

ચેકબુક એ બેંક દ્વારા ખાતાધારકને આપવામાં આવતી એક લેખિત પુસ્તિકા છે. રોકડ રકમ સાથે રાખ્યા વિના સુરક્ષિત રીતે પૈસાની લેવડદેવડ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. ચેક ઉપર જેને પૈસા આપવાના છે તેનું નામ, 3 મહિના સુધી માન્ય રહેતી તારીખ અને ખાતા સાથે મેચ થતી સહી હોવી ખૂબ જ જરૂરી છે. મુખ્યત્વે તેના ત્રણ પ્રકાર હોય છે:

બેરર ચેક: આ ચેક લઈને જે પણ વ્યક્તિ બેંકમાં જાય તેને તરત જ કાઉન્ટર પર રોકડા પૈસા મળી જાય છે.

ઓર્ડર ચેક: આ ચેકમાં જે વ્યક્તિનું નામ લખ્યું હોય, તેની ઓળખ તપાસ્યા પછી જ તેને પેમેન્ટ આપવામાં આવે છે.

ક્રોસ્ડ ચેક: આ ચેકની ડાબી બાજુ ઉપરના ખૂણે બે ક્રોસ (ત્રાંસી) લાઈનો દોરેલી હોય છે. આ ચેકનું પેમેન્ટ રોકડમાં નહિ, પણ સીધું ખાતામાં જ જમા થાય છે.

ચેકથી પેમેન્ટ કરવાના 5 મોટા ફાયદા

મોટી રકમ રોકડમાં સાથે રાખવાથી ચોરીનો ડર રહે છે, જ્યારે ચેક ચોરાઈ જાય તો પણ કોઈ સહેલાઈથી પૈસા ઉપાડી શકતું નથી.

ચેકથી કરેલો દરેક વ્યવહાર બેંકના સ્ટેટમેન્ટમાં નોંધાય છે, જે પેમેન્ટ કર્યાનો તમારી પાસે પાક્કો પુરાવો રહે છે.

જો ચેક બાઉન્સ થાય, તો 'નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881' ની કલમ 138 હેઠળ કાયદાકીય અને દંડાત્મક કાર્યવાહી કરી શકાય છે.

ચેક દ્વારા થતા પેમેન્ટમાં પૂરી પારદર્શિતા રહે છે, જેનાથી બિઝનેસના ઓડિટ અને ઈન્કમટેક્સ સંબંધિત સમસ્યાઓ નથી નડતી.

ભારતમાં ₹2 લાખ કે તેથી વધુના રોકડ વ્યવહારો પર પ્રતિબંધ છે, તેથી મોટા પેમેન્ટ માટે ચેક એ એક ખૂબ જ જરૂરી અને સલામત માધ્યમ બની જાય છે.