5-Day Work Week Banking: જો તમારું બેંકમાં કોઈ અગત્યનું કામ અટકેલું હોય કે ચેક ક્લિયરિંગ બાકી હોય, તો તેને તાત્કાલિક પતાવી લેજો, કારણ કે જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં તમારે ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. બેંક કર્મચારીઓના સૌથી મોટા સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ (Strike) નું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આ જાહેરાત બાદ સામાન્ય નાગરિકોની ચિંતા વધી છે કારણ કે હડતાળ અને રજાઓના સંયોજનને કારણે બેંકો સતત લાંબા સમય સુધી બંધ રહી શકે છે. કર્મચારીઓ લાંબા સમયથી બેંકોમાં સપ્તાહમાં માત્ર 5 દિવસ કામકાજ અને 2 દિવસની રજાની માંગ કરી રહ્યા છે, જે હજુ સુધી સ્વીકારવામાં આવી નથી.

Continues below advertisement

આ હડતાળનું ગણિત અને રજાઓનું કેલેન્ડર સમજવું દરેક ગ્રાહક માટે જરૂરી છે. જો યુનિયન દ્વારા જાહેર કરાયેલી 27 જાન્યુઆરી ની હડતાળ સફળ રહે છે, તો સતત 4 દિવસ સુધી બેંકિંગ વ્યવહારો ખોરવાઈ જશે. વિગતો મુજબ, 24 જાન્યુઆરી એ મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંકો બંધ રહેશે, ત્યારબાદ 25 જાન્યુઆરી એ રવિવારની સાપ્તાહિક રજા આવે છે. 26 જાન્યુઆરી એ પ્રજાસત્તાક દિવસ (Republic Day) હોવાથી રાષ્ટ્રીય રજા રહેશે અને તેના બીજા જ દિવસે એટલે કે 27 જાન્યુઆરી એ કર્મચારીઓએ હડતાળનું એલાન કર્યું છે. આ સ્થિતિમાં 23 જાન્યુઆરી પછી બેંકો સીધી 28 જાન્યુઆરી એ જ રાબેતા મુજબ ખુલશે તેવી શક્યતા છે. ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકો (Public Sector Banks) ની કામગીરી પર તેની સૌથી મોટી અસર જોવા મળશે.

હડતાળ પાછળનું મુખ્ય કારણ 'ફાઈવ ડે વર્ક વીક'ની માંગ છે. અહેવાલો અનુસાર, માર્ચ 2024 માં થયેલા વેતન કરાર વખતે ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનિયન વચ્ચે તમામ શનિવારે રજા રાખવા બાબતે સહમતી સધાઈ હતી, પરંતુ સરકાર તરફથી તેને મંજૂરી મળી નથી. યુનિયનનું કહેવું છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI), LIC અને GIC જેવી સંસ્થાઓમાં પહેલાથી જ 5 દિવસનું સપ્તાહ અમલમાં છે. શેરબજાર, મની માર્કેટ અને સરકારી કચેરીઓ પણ શનિવારે બંધ રહે છે. કર્મચારીઓએ તો ત્યાં સુધી તૈયારી દર્શાવી છે કે તેઓ સોમવારથી શુક્રવાર સુધી રોજ 40 મિનિટ વધારાનું કામ કરવા તૈયાર છે જેથી ગ્રાહકોને કોઈ તકલીફ ન પડે, પરંતુ સરકાર તેમની "વાજબી માંગણીઓ" પ્રત્યે ઉદાસીન હોવાનો આક્ષેપ યુનિયને કર્યો છે.

Continues below advertisement