નવી દિલ્હીઃ દેશમાં શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ (Rakesh Jhunjhunwala) મંગળવારે પત્ની સાથે પ્રધાનમંત્રી મોદીને (PM Modi) મળ્યા હતા. ઝુનઝુનવાલા બિગ બુલ (Big Bull) તરીકે ઓળખાય છે અને તેમના દરેક પગલા પર લાખો લોકોની નજર હોય છે. મુલાકાત પછી પ્રધાનમંત્રી મોદીએ આ મુલાકાતનો એક ફોટો શેર કર્યો હતો. જે વાયરલ થયો છે.
મોદીએ શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુલાકાતનો ફોટો શેર કર્યો અને રાકેશને વન એન્ડ ઓનલી ગણાવીને તેમને મળીને ખુબ જ ખુશી થઈ તેમ લખ્યું. મુલાકાત દરમિયાન રાકેશ ઝુનઝુનવાલાનું શર્ટ ખૂબ જ કરચલીવાળું જોવા મળ્યું હતું. જેને લઈ સોશિયલ મીડિયા પર લોકોએ અનેક પ્રકારની કોમેન્ટ કરી હતી.
સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે, રાકેશ ઝુનઝુનવાલાએ સાબીત કરી દીધું છે કે, વ્યક્તિની ઓળખ કપડાંથી નથી થતી અને દુનિયાના કોઈ પણ તાકાતવર વ્યક્તિને મળવા માટે આત્મવિશ્વાસ માટે કપડાંનું મહત્વ નથી હોતું. જોકે સાચી વાત તો એ છે કે, જો તમારી પાસે હજારો કરોડોની નેટવર્થ હોય તો આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે.
એક યૂઝર્સે લખ્યું, ભાઈ કોઈ આમના શર્ટને ઈસ્ત્રી કરાવી દો. તો કોઈએ એમ પણ લખ્યું કે. પીએમ મોદી જાણે રાકેશ ઝુનઝુનવાલા સામે ફેન બનીને ઉભા હોય તેમ લાગે છે.