Budget 2022: નાણામંત્રીએ કહ્યું કે, આ ડીજીટલ યુનિવર્સિટીના માધ્યમથી ડોર ટુ ડોર એજ્યુકેશન સરળ બનશે. વિદ્યાર્થીઓને આ સુવિધા વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં મળશે અને અન્ય મોટી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ પણ તેમાં મદદ કરશે.


મંગળવારે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટની જાહેરાત કરી. આ બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત્રીએ માહિતી આપી હતી કે દેશના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરનું સરળ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સરકાર ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરશે. આ યુનિવર્સિટી ISTE ધોરણની હશે.


બધી જ ભાષામાં મળશે શિક્ષણ
નાણામંત્રીએ કહ્યું કે આ ડીજીટલ યુનિવર્સિટીના માધ્યમથી ડોર ટુ ડોર એજ્યુકેશન સરળ બનશે. વિદ્યાર્થીઓને આ સુવિધા વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં મળશે અને અન્ય મોટી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ પણ આમાં મદદ કરશે.


ડિજિટલ એજ્યુકેશન પર ભાર
બજેટની જાહેરાત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે,કોરોનાને કારણે શાળાઓ બંધ થવાને કારણે શિક્ષણ ક્ષેત્રે ઘણું નુકસાન થયું છે. તેની ભરપાઈ કરવા માટે ડિજિટલ શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. પ્રધાનમંત્રી ઈ-વિદ્યા યોજના હેઠળ એક ચેનલ વન ક્લાસ યોજના 12 થી વધારીને 200 ટીવી ચેનલો કરવામાં આવશે. તેના પર ધોરણ 1 થી 12 સુધીના વર્ગો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. ટીવી, મોબાઈલ અને રેડિયો દ્વારા તમામ પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવશે.


બીજી અન્ય જાહેરાત
દેશની કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સિલેબસને નવી જ રીતે પ્રાકૃતિક જરૂરિયાત, ઝીરો બજેટ. ઓર્ગેનિક ફાર્મિગ અને આધુનિક કૃષિના આધારે સંશોધિત કરવામાં આવશે. આ સિવાય શહેરી વિકાસના નવા પાઠ્યક્રમની પણ શરૂઆત કરાશે. તેના માટે નવી પાંચ સંસ્થાની સ્થાપના થશે. બધાને 250-250 કરોડોનું ફંડ મળશે.