Byju's Crisis: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કથિત રીતે બ્યુરો ઓફ ઈમિગ્રેશન (BOI) ને એડટેક કંપની બાયજુના સ્થાપક અને સીઈઓ બાયજુ રવિન્દ્રન સામે નવો લુક આઉટ સર્ક્યુલર જારી કરવા જણાવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, EDએ આ મહિનાની શરૂઆતમાં BOIનો સંપર્ક કર્યો હતો જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે બાયજુ રવીન્દ્રન દેશ છોડીને ના જાય. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અગાઉ બાયજુ રવીન્દ્રન સામે 'લુક આઉટ સર્ક્યુલર ઓન ઇન્ફોર્મેશન' જારી કરવામાં આવ્યો હતો અને તેને EDની વિનંતી પર દોઢ વર્ષ પહેલા ખોલવામાં આવ્યો હતો.


EDએ ગયા વર્ષે નવેમ્બરમાં ₹9,362.35 કરોડના કથિત ઉલ્લંઘન બદલ બાયજુની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડ અને બાયજુ રવિેન્દ્રનને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. આ નોટિસ ફેમાના નિયમો હેઠળ જારી કરવામાં આવી હતી. ED એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "કંપનીએ એમ પણ કહ્યું હતું કે તેને ભારતની બહાર નોંધપાત્ર વિદેશી રેમિટન્સ અને વિદેશમાં રોકાણો પ્રાપ્ત થયા છે જે કથિત રીતે FEMA, 1999 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે અને ભારત સરકારને આવકનું નુકસાન પહોંચાડે છે."


તમને જણાવી દઈએ કે લુક આઉટ સર્ક્યુલર 'ઓન ઈન્ફોર્મેશન'નો અર્થ છે કે ઈમિગ્રેશન ઓથોરિટીએ તપાસ એજન્સીને વિદેશ જઈ રહેલા વ્યક્તિની માહિતી મોકલવાની હોય છે. જો કે, આ કિસ્સામાં વ્યક્તિને દેશ છોડતા અટકાવવામાં આવતો નથી. જો કે, એજન્સીએ બાયજુ રવિન્દ્રન સામે નવો લુક આઉટ સર્ક્યુલર જારી કરવાની અપીલ કરી છે, જેમાં વ્યક્તિને વિદેશ જતા અટકાવી શકાય છે.




બાયજુ રવીન્દ્રને છેલ્લા 3 વર્ષથી દિલ્હી અને દુબઈ વચ્ચે ઘણી યાત્રાઓ કરી હોવાના અહેવાલ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, તેઓ બેંગલુરુ અને દિલ્હીની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. રવિન્દ્રને એક મીડિયા આઉટલેટને જણાવ્યું કે તે હાલમાં દુબઈમાં છે અને આવતીકાલે સિંગાપોર જવાની યોજના ધરાવે છે.


એક વરિષ્ઠ સરકારી અધિકારીએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, "એકવાર લુક આઉટ સર્ક્યુલર બહાર પાડવામાં આવશે, તે સુનિશ્ચિત કરશે કે રોકાણકારોના હિતોનું રક્ષણ કરવામાં આવશે અને આ બાબતને કોઈપણ મુશ્કેલી વિના તેના તાર્કિક નિષ્કર્ષ પર લઈ જવામાં આવશે."