Airline: ભારતીય વિમાન કંપનીઓમાં કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે એક પછી એક વિવાદના અહેવાલો છે. પરંતુ, આજે અમે તમને એક એવી એરલાઈન વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જે પોતાના કર્મચારીઓને 5 મહિનાનો પગાર બોનસ તરીકે આપવા જઈ રહી છે. આ એરલાઇનનું નામ અમીરાત એરલાઇન (Emirates Airline) છે. કંપનીએ અંદાજે 5.1 અબજ ડોલરનો નફો કર્યો છે. આ પછી એરલાઈને જંગી બોનસની જાહેરાત કરી છે.






અમીરાત ગ્રુપે 5.1 બિલિયન ડૉલરનો નફો કર્યો


અમીરાત ગ્રુપના ચેરમેન અને સીઈઓ શેખ અહમદ બિન સઈદ અલ મક્તુમે સોમવારે કહ્યું કે એરલાઈનની નાણાકીય સ્થિતિ મજબૂત થઈ છે. આ આપણા ભવિષ્યનો માર્ગ સરળ બનાવશે. દુબઈ સ્થિત અમીરાત ગ્રુપે 13 મેના રોજ તેના નાણાકીય પરિણામોની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે કંપનીનો નફો 71 ટકા વધીને 5.1 બિલિયન ડોલર થઈ ગયો છે. એરલાઈને સતત બીજા વર્ષે રેકોર્ડ નફો કર્યો છે. તેથી કર્મચારીઓને બોનસ આપવાનો નિર્ણય લેવાયો છે.


છેલ્લા 2 વર્ષમાં લગભગ 8.1 બિલિયન ડૉલરનો નફો


અમીરાત એરલાઈને માહિતી આપી છે કે છેલ્લા 2 વર્ષમાં તેણે લગભગ 8.1 અબજ ડોલરનો નફો કર્યો છે. કોવિડ મહામારી દરમિયાન એરલાઇનને 2020 થી 2022 સુધી ભારે નુકસાન થયું હતું. પરંતુ, આમાંથી રિકવર થતાં એરલાઇનને નફાનો માર્ગ મળી ગયો છે. અમીરાત ગ્રુપના ચેરમેને કહ્યું કે ભવિષ્યમાં પણ અમે વધુ સારી સેવા આપીને ગ્રાહકોને આકર્ષવાનું ચાલુ રાખીશું. આ સિવાય રોકાણકારો પણ આગળ વધતા રહેશે. કંપનીએ તેના કર્મચારીઓ માટે 20 અઠવાડિયાના પગારનું બોનસ જાહેર કર્યું છે.


કર્મચારીઓની સંખ્યામાં પણ 10 ટકાનો વધારો થયો છે


અમીરાત ગ્રુપની અમીરાત એરલાઈન અને દુબઈ નેશનલ એર ટ્રાવેલ એજન્સી (DNATA)ના કર્મચારીઓની સંખ્યા પણ ગયા વર્ષની સરખામણીમાં 10 ટકા વધીને 112,406 થઈ છે. આ બંને કંપનીઓ તેમની વૈશ્વિક સેવા વધારવા માટે સમગ્ર વિશ્વમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો કરી રહી છે.