Paytm Payments Bank: Paytm Payments Bank સામે FDI તપાસના રિપોર્ટ સામે આવ્યા છે. પેટીએમ હાલમા ભારતીય રિઝર્વ બેન્ક (RBI) તરફથી કાર્યવાહીનો સામનો કરી રહી છે. One97 કોમ્યુનિકેશન્સની પેટાકંપની પેટીએમ પેમેન્ટ સર્વિસિસ લિમિટેડ (PPSL)ને ચીનમાંથી FDI પ્રાપ્ત થયું હતું. સરકાર આ મામલે તપાસ કરી રહી છે. ચીનના એન્ટ ગ્રુપે વન 97 કોમ્યુનિકેશન્સમાં રોકાણ કર્યું છે.


નવેમ્બર, 2022માં PPSL અરજીને નકારી કાઢવામાં આવી હતી


PPSL એ નવેમ્બર 2020 માં પેમેન્ટ એગ્રીગેટર અને પેમેન્ટ ગેટવે તરીકે કામ કરવા માટે આરબીઆઈને લાસન્સ માટે અરજી કરી હતી. જોકે, આરબીઆઈએ નવેમ્બર 2022માં PPSLની અરજી ફગાવી દીધી હતી. FDI નિયમો હેઠળ પ્રેસ નોટ 3નું પાલન કરવા માટે કંપનીને તેને ફરીથી સબમિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી કંપનીએ FDI માર્ગદર્શિકા અનુસાર 14 ડિસેમ્બર, 2022 ના રોજ અરજી દાખલ કરી હતી. વન 97 કોમ્યુનિકેશને આ તપાસ અંગે આ સમયે કશું કહ્યું નથી.


ચીનના રોકાણની તપાસ કરતી ઇન્ટર મિનિસ્ટ્રિયલ કમિટી


ઈકોનોમિક ટાઈમ્સે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે એક ઇન્ટર મિનિસ્ટ્રિયલ કમિટી PPSLમાં ચીનના રોકાણની તપાસ કરી રહી છે. તપાસ બાદ FDI મુદ્દે નિર્ણય લેવામાં આવશે. પ્રેસ નોટ 3 હેઠળ સરકારે કોઈપણ ક્ષેત્રમાં વિદેશી રોકાણ કરતા પહેલા ભારત સાથે જમીનની સરહદો વહેંચતા દેશોની મંજૂરી લેવી ફરજિયાત બનાવી હતી. આ પગલાનો હેતુ કોવિડ-19 મહામારી પછી સ્થાનિક કંપનીઓને ટેકઓવરથી બચાવવાનો હતો. આ નિયમ ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂટાન, નેપાળ, મ્યાનમાર અને અફઘાનિસ્તાન જેવા દેશોને લાગુ પડે છે જે ભારત સાથે સરહદો વહેંચે છે.


પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર ડિપોઝીટ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે


ગયા મહિને આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર કોઈપણ પ્રકારની ડિપોઝિટ અથવા ટોપ અપ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બેન્ક 29 ફેબ્રુઆરી પછી કોઈપણ કસ્ટમર એકાઉન્ટ, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ અથવા ફાસ્ટેગમાં પૈસા જમા કરાવી શકશે નહીં. RBIએ આ કડક નિર્ણય વ્યાપક સિસ્ટમ ઓડિટ રિપોર્ટ બાદ લીધો છે. કેન્દ્રીય બેન્કે કહ્યું હતું કે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક ઘણા નિયમોનું પાલન કરી રહી નથી. 11 માર્ચ, 2022 ના રોજ બેન્કને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.