Institutional investment decline 2024: ભારતીય શેરબજારમાં તાજેતરના ઉથલપાથલ અંગે લોકસભામાં એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પ્રશ્નમાં જાણકારી માંગવામાં આવી હતી કે શું વર્ષ 2023 અને 2024 દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ખરેખર ઘટ્યા છે, અને શું તેની શેરબજાર પર કોઈ અસર પડી છે. આ પ્રશ્નના જવાબમાં નાણાં મંત્રાલયે જે આંકડા રજૂ કર્યા છે, તે ચોંકાવનારા છે. આ આંકડા દર્શાવે છે કે વર્ષ 2023 ની સરખામણીમાં 2024 માં વિદેશી સંસ્થાકીય રોકાણમાં હજારો કરોડો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
નાણા મંત્રાલયે લોકસભામાં આપેલા જવાબમાં જણાવ્યું હતું કે વર્ષ 2023 માં વિદેશી સંસ્થાકીય રોકાણ રૂ. 1,71,107 કરોડ હતું. પરંતુ, મોદી સરકારના ત્રીજા કાર્યકાળની શરૂઆતથી ડિસેમ્બર 2024 સુધીના છ મહિનાના સમયગાળામાં, આ વિદેશી સંસ્થાકીય રોકાણ ઘટીને માત્ર રૂ. 23,791 કરોડ થયું છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે વર્ષ 2023 માં વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેરબજારમાં મોટા પ્રમાણમાં નાણાં રોકી રહ્યા હતા, પરંતુ જૂન 2024 થી ડિસેમ્બર 2024 સુધીમાં તેમણે ભારતીય શેરબજારમાંથી મોટા પ્રમાણમાં નાણાં પાછા ખેંચી લીધા છે.
જો કે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા આટલા મોટા પ્રમાણમાં નાણાં પાછા ખેંચવાના કારણે બજારની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે તેમ હતી. પરંતુ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ પરિસ્થિતિને સંભાળી લીધી. વર્ષ 2023 માં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય શેરબજારમાં રૂ. 1,13,278 કરોડનું રોકાણ કર્યું હતું. જયારે, મોદી સરકારના ત્રીજા કાર્યકાળની શરૂઆતથી ડિસેમ્બર 2024 સુધીના પ્રથમ 6 મહિનામાં આ રોકાણ વધીને રૂ. 3,12,988 કરોડ થયું હતું.
નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલા જવાબથી એ સ્પષ્ટ થાય છે કે જૂન 2024 થી ડિસેમ્બર 2024 દરમિયાન જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેરબજારમાંથી મોટા પાયે નાણાં ઉપાડી રહ્યા હતા, ત્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો બજારમાં નાણાં રોકી રહ્યા હતા. આ કારણે ભારતીય શેરબજારમાં જે ઘટાડો નોંધાયો તે કદાચ વધુ મોટો હોઈ શકતો હતો. પરંતુ, સ્થાનિક સંસ્થાકીય રોકાણોએ મોટા પ્રમાણમાં ખરીદી કરીને આ ઘટાડાને અમુક અંશે નિયંત્રિત કર્યો છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ખરીદીનો અર્થ એ પણ છે કે ભારતીય રોકાણકારોની ભાવના ભારતીય શેરબજાર પ્રત્યે હજુ પણ વધુ આશાવાદી છે. અને જે રોકાણકારોએ આ બજારમાં તેમના નાણાંનું રોકાણ કર્યું છે, તેઓને પણ તેનો લાભ જોવા મળશે, કારણ કે બજાર જેમ જેમ સુધરશે તેમ તેમ રોકાણકારોને તે લાભ નફાના રૂપમાં દેખાશે.