ઝોમેટોની વેલ્યુએશનની દ્રષ્ટિએ ગણતરી કરવામાં આવે તો તેના સ્ટોક ડીલનું મૂલ્ય લગભગ રૂપિયા 2,500 કરોડ થાય છે. ઉબેર તેની એપ પર રેસ્ટોરન્ટ પાર્ટનર, ડિલીવરી પાર્ટનર અને ગ્રાહકોને ઝોમેટોના પ્લેટફોર્મ પર શિફ્ટ કરી દેશે. કંપનીએ મંગળવારે આ અંગે જાણકારી આપી હતી. ઉબેરે ખોટને લીધે ફૂડ ડિલીવરી કારોબારનું વેચાણ કરવાનો નિર્ણય કર્યો છે.
ઝોમેટો અને સ્વિગી સાથે કોમ્પિટીશનને લીધે ઉબેર ઈટ્સને નુકસાન થઈ રહ્યું હતું. કંપનીએ છેલ્લા 5 મહિનામાં 2,197 કરોડની ખોટ નોંધાવી છે. ઉબેરે ભારતમાં વર્ષ 2017માં ફૂડ ડિલીવરી કારોબારની શરૂઆત કરી હતી. તેના પ્લેટફોર્મ પર 41 શહેરોની 26,000 રેસ્ટોરન્ટ નોંધાયેલી છે. બીજીબાજુ ઝોમેટોની રેસ્ટોરન્ટ ડિસ્કવરી અને ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ પર 24 દેશની 15 લાખ રેસ્ટોરન્ટ અંગે માહિતી ઉપલબ્ધ છે. કંપની દર મહિને આશરે 7 કરોડ યુઝરને સર્વિસ પૂરી પાડે છે.
ઝોમેટોના મુખ્ય કાર્યકારી અધિકરી સીઈઓ દીપિંદર ગોયલે કહ્યું, અમને ભારતના 500 કરતા વધારે શહેરોમાં ઓનલાઈન ખાવાની ડિલિવરી કરનારા વ્યવસાય બનાવવા પર ગર્વ છે. આ કરારા બાદ અમારી સ્થિતિ મજબૂત થશે.
ઉબેર ઈટ્સના 41 શહેરોમાં 26 હજાર રેસ્ટોરન્ટ છે. તેમણે ભારતમાં 2017માં શરૂઆત કરી હતી. ઉબેર ઈટ્સ એપ ચલાવતા ગ્રાહકોને એક સંદેશ જોવા મળી રહ્યો છે જેમાં લખ્યું છે કે તેઓ ભારતની બહાર ઉબેર ઈટ્સનો ઉપયોગ કરી શકશે.