આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકી ડોલર નબળો પડતાં જ ભારતીય બુલિયન માર્કેટ (સોના ચાંદી બજાર) માં જોરદાર તેજી જોવા મળી છે. ડોલરનો દબદબો ઘટતા વૈશ્વિક રોકાણકારોએ પોતાનો રૂપિયો ડોલરમાંથી કાઢીને સીધો સોના અને ચાંદીમાં રોકવાનું શરૂ કરી દીધું છે. પરિણામે, રાજધાની દિલ્હીના બજારમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ ₹5,000 નો અને સોનામાં ₹2,300 નો મોટો ઉછાળો આવ્યો છે. એક તરફ દેશમાં લગ્નસરાની સિઝન પૂરબહારમાં ખીલી છે, જેના કારણે ઘરેણાંની માંગ પહેલેથી જ વધારે છે, ત્યારે આ વૈશ્વિક ઉથલપાથલે કિંમતોને આસમાને પહોંચાડી દીધી છે.

આ ઉછાળા પાછળનું આંતરરાષ્ટ્રીય કારણ શું છે?

બજારના નિષ્ણાતોના મતે, આ તેજી પાછળ ડોલરનું નબળું પડવું અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો ઘટાડો મુખ્ય કારણ છે. આ ઉપરાંત, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ટેન્શન પર પણ બજારની નજર છે. એવા રિપોર્ટ્સ છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી 7 એપ્રિલની ડેડલાઈન પહેલા જ અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ શાંતિ કરાર થઈ શકે છે. જો આ યુદ્ધવિરામ થશે તો ક્રૂડ ઓઈલ અને વેપાર માટે મહત્વની ગણાતી 'હોર્મુઝ સ્ટ્રેટ' (સામુદ્રધુની) ફરીથી ખૂલી જશે. ભૂ રાજકીય વિકાસની આ હલચલે સ્થાનિક બજારની દિશા પણ બદલી નાખી છે.

દિલ્હી બજારમાં શું છે આજના લેટેસ્ટ ભાવ?

સોમવારે ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના આંકડા મુજબ, ભાવમાં મોટો સુધારો જોવા મળ્યો હતો:

ચાંદી: શુક્રવારે ₹2,37,000 ના ભાવે બંધ થયેલી ચાંદી (સફેદ ધાતુ) સોમવારે 2.11% ના જંગી ઉછાળા સાથે ₹5,000 મોંઘી થઈને સીધી ₹2,42,000 પ્રતિ કિલોગ્રામ (તમામ ટેક્સ સહિત) પર પહોંચી ગઈ છે.

સોનું: 99.9% શુદ્ધતાવાળા સોનાના ભાવમાં પણ 1.52% એટલે કે ₹2,300 નો વધારો થયો છે. ગયા સત્રમાં ₹1,51,500 પર રહેલું સોનું હવે ₹1,53,800 પ્રતિ 10 ગ્રામ (તમામ ટેક્સ સહિત) થઈ ગયું છે.

આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ અને નિષ્ણાતોનો મત

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હાજર ચાંદી 0.5% વધીને US73.37પ્રતિઔંસઅનેહાજરસોનું0.144,682.80 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. મીરા એસેટ શેરખાનના કોમોડિટી હેડ પ્રવીણ સિંહે જણાવ્યું હતું કે, કિંમતી ધાતુઓમાં અગાઉ થયેલા ઘટાડા બાદ અત્યારે મૂલ્ય આધારિત ખરીદી (Value buying) ના કારણે આ રિકવરી જોવા મળી છે.

જોકે, તેમણે ગ્રાહકો અને રોકાણકારોને એક ચેતવણી પણ આપી છે કે અમેરિકાના મજબૂત આર્થિક ડેટા અને રોજગારીના આંકડાઓને કારણે સોનાના ભાવનો આ ઉછાળો મર્યાદિત રહી શકે છે. આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવમાં ભારે વધઘટ (અસ્થિરતા) જોવા મળે તેવી પૂરી શક્યતા છે.