ગુરુવારે ઘરેલુ માર્કેટમાં સોના અને ચાંદીમાં કડાકો બોલી ગયો હતો. ડોલરની કિંમત વધવા અને બોન્ડ રિટર્નમાં વધારાને કારણે રોકાણકારો સોના, ચાંદીમાંથી હાથ ખેંચી રહ્યા છે. આ ગ્લોબલ ટ્રેન્ડની અસર ઘરેલુ માર્કેટ પર પડી અને એમસીએક્સમાં ગોલ્ડની કિંમત 0.56 ટકા એટલે કે 269 રૂપિયા ઘટીને 47547 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ જ્યારે ચાંદીની કિંમત 1.09 ટકા એટલે કે 745 રૂપિયા ઘટીને 67820 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ.


દિલ્હી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ

બુધવારે દિલ્હી માર્કેટમાં હાજરમાં સોનાની કિંમત 232 રૂપિયા ઘટીને 47387 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ. ચાંદીની કિંમત 1955 રૂપિયા ઘટીને 67605 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ.

ડોલર મોંઘો થયા બાદ સોના પર દબાણ

અમદાવાદ બજારમાં ગુરુવારે સોનું હાજરમાં 47768 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી હતી. જ્યારે ગોલ્ડ ફ્યૂચરની કિંમત 47400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત પર દબાણ જોવા મળી રહ્યું છે કારણ કે ડોલર મોંઘો થઈ રહ્યો છે. આ જ કારણે બુધારે હાજરમાં સોનું 0.1 ટકા ઘટીને 1832.84 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું હતું. જ્યારે ગોલ્ડ ફ્યૂચર 1834.70 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. હાજર સિલ્વર 0.5 ટકા ઘટીને 26.72 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ. નોંધનીય છે કે, સોમવારે ચાંદી આઠ વર્ષની ટોચ પર એટલે કે 30.3 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી.

ભારતમાં સોના અને ચાંદીમાં હજુ પણ ઘટાડો થવાની સંભાવના છે કારણ કે સરકારે બજેટમાં તેના પર ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે. વૈશ્વિક બજારમાં પણ સોના પર દબાણ સતત વધી રહ્યું છે. આવનારા દિવસોમાં બન્ને સસ્તા થઈ શકે છે.