ગુજરાત સરકારે અંત્યોદય અન્ન યોજના અને PHH હેઠળ ગરીબ પરિવારોને અનાજ વિતરણ કરતા વાજબી ભાવની દુકાનના સંચાલકોના કમિશનમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી PDS સિસ્ટમ વધુ મજબૂત બનશે.
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Gujarat PDS system: રાજ્યના 17,000 થી વધુ રેશનિંગ દુકાનદારોને 1 એપ્રિલ 2026 થી મળશે વધેલા કમિશનનો સીધો લાભ; સરકારે કરી 67.20 કરોડની જોગવાઈ.

- ગુજરાત સરકારે PDS સંચાલકોનું કમિશન વધારી વ્યવસ્થા સુદ્રઢ કરી.
- PDS સંચાલકોનું કમિશન ₹150 થી ₹185 પ્રતિ ક્વિન્ટલ વધ્યું.
- સંચાલકોની લાંબા સમયની માંગ સ્વીકારાઈ, વ્યવસ્થા વધુ પારદર્શક બનશે.
- કમિશન વધારા માટે સરકારે ₹67.20 કરોડની નાણાકીય જોગવાઈ કરી.
Gujarat PDS system: ગુજરાત સરકારે રાજ્યની જાહેર વિતરણ પ્રણાલી (PDS) ને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, અંત્યોદય અન્ન યોજના (AAY) અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ (PHH) હેઠળ ગરીબ પરિવારોને ઘઉં અને ચોખાનું વિતરણ કરતા વાજબી ભાવની દુકાન (રેશનિંગ) ના સંચાલકોના કમિશનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના હજારો સંચાલકોને સીધી આર્થિક રાહત મળશે અને અનાજ વિતરણની પ્રક્રિયા વધુ વેગવાન બનશે.
કમિશનમાં કેટલો વધારો કરાયો?
અગાઉ વાજબી ભાવની દુકાન ચલાવતા સંચાલકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો- 2013 હેઠળ અનાજના વિતરણ પર પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયાનું કમિશન મળતું હતું. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ઠરાવ મુજબ, હવે આ કમિશનમાં 35 રૂપિયાનો સીધો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, હવેથી સંચાલકોને પ્રતિ ક્વિન્ટલ 185 રૂપિયા લેખે કમિશન ચૂકવવામાં આવશે. આ નવા દરોનો અમલ 1 એપ્રિલ 2026 થી કરવામાં આવશે, જેનાથી રાજ્યની 17,000 થી વધુ વાજબી ભાવની દુકાનોના સંચાલકોને સીધો ફાયદો થશે.
સંચાલકોની લાંબા સમયની માંગ સ્વીકારાઈ
છેલ્લા ઘણા સમયથી રેશનિંગ દુકાનના સંચાલકો વાહન-વ્યવહાર (ટ્રાન્સપોર્ટેશન), મજૂરી ખર્ચ અને દુકાનની જાળવણી સહિતના રોજબરોજના સંચાલન ખર્ચમાં થયેલા વધારાને કારણે સરકાર પાસે કમિશન વધારવાની અપીલ કરી રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી અને રાજ્ય મંત્રી પૂનમચંદ બરંડાના માર્ગદર્શન હેઠળ આખરે આ વ્યાજબી માંગ સ્વીકારવામાં આવી છે. સરકારનું માનવું છે કે કમિશન વધવાથી જાહેર વિતરણ વ્યવસ્થાનું સંચાલન વધુ સારી રીતે થઈ શકશે અને છેવાડાના પાત્રતા ધરાવતા કરોડો પરિવારો સુધી અનાજ પહોંચાડવાની પ્રક્રિયા વધુ પારદર્શક બનશે.
આ પણ વાંચોઃ રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
સરકારે બજેટમાં કેટલી જોગવાઈ કરી?
સંચાલકોને અપાતા આ કમિશન વધારા માટે રાજ્ય સરકારે કુલ 67.20 કરોડ રૂપિયાની માતબર નાણાકીય જોગવાઈ કરી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ઠરાવ મુજબ, આ ફાળવાયેલા બજેટમાંથી:
52.61 કરોડ રૂપિયા સામાન્ય શ્રેણી પાછળ ખર્ચવામાં આવશે.
4.11 કરોડ રૂપિયા અનુસૂચિત જાતિ પેટાયોજના (SCSP) હેઠળ ફાળવાયા છે.
10.48 કરોડ રૂપિયા જનજાતિ પેટાયોજના (TASP) હેઠળ ખર્ચ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર: રાશન ઓછું મળે કે ડીલર મનમાની કરે, તો અહીં કરો સીધી ફરિયાદ
Frequently Asked Questions
ગુજરાત સરકારે PDS સિસ્ટમ અંગે શું નિર્ણય લીધો છે?
વાજબી ભાવની દુકાનના સંચાલકોના કમિશનમાં કેટલો વધારો કરાયો છે?
અગાઉ પ્રતિ ક્વિન્ટલ ₹150 કમિશન મળતું હતું, જે હવે ₹35 ના વધારા સાથે પ્રતિ ક્વિન્ટલ ₹185 કરવામાં આવ્યું છે. આ નવા દરોનો અમલ 1 એપ્રિલ 2026 થી થશે.
કમિશન વધારાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે?
સંચાલકોની લાંબા સમયથી ચાલી આવતી માંગને કારણે આ નિર્ણય લેવાયો છે. વાહન-વ્યવહાર, મજૂરી ખર્ચ અને દુકાનની જાળવણી સહિતના રોજબરોજના સંચાલન ખર્ચમાં થયેલા વધારાને કારણે કમિશન વધારાયું છે.
આ કમિશન વધારા માટે સરકારે કેટલી નાણાકીય જોગવાઈ કરી છે?
રાજ્ય સરકારે કુલ ₹67.20 કરોડની નાણાકીય જોગવાઈ કરી છે. જેમાં સામાન્ય શ્રેણી, અનુસૂચિત જાતિ પેટાયોજના અને જનજાતિ પેટાયોજના હેઠળ ભંડોળ ફાળવવામાં આવ્યું છે.






















