Wedding gift tax exemption: ભારતમાં અત્યારે લગ્નસરાની સીઝન પૂરજોશમાં ખીલી છે. નવદંપતી માટે મિત્રો અને સંબંધીઓ તરફથી મળતી ભેટ-સોગાદો અને રોકડ રકમ (ચાંદલો) આર્થિક મદદ અને આશીર્વાદ સમાન હોય છે. જોકે, ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે ખુશીના આ પ્રસંગે કરવામાં આવેલી એક નાનકડી ભૂલ ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસનું કારણ બની શકે છે. આવકવેરાના નિયમ મુજબ, લગ્નમાં મળેલી ભેટ ટેક્સ-ફ્રી હોય છે, પરંતુ રોકડ (Cash) સ્વીકારવા માટે એક ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમે એક વ્યક્તિ પાસેથી રોકડમાં ₹2,00,000 થી વધુ રકમ સ્વીકારો છો, તો તમારે ભારે દંડ ભોગવવો પડી શકે છે.
શું લગ્નની ભેટ પર ટેક્સ લાગે છે?
સૌ પ્રથમ, એક સારા સમાચાર જાણી લો. આવકવેરા કાયદા (Income Tax Act) મુજબ, લગ્નના પ્રસંગે કન્યા અને વરરાજાને મળતી કોઈપણ ભેટ સંપૂર્ણપણે કરમુક્ત (Tax-free) હોય છે. પછી ભલે તે રોકડ હોય, ચેક હોય, સોનાના દાગીના હોય કે કોઈ કિંમતી વસ્તુ. આ ભેટોને તમારી આવક ગણવામાં આવતી નથી. સામાન્ય દિવસોમાં મિત્રો (સગા-સંબંધી સિવાય) પાસેથી મળેલી ₹50,000 થી વધુની ભેટ પર ટેક્સ લાગે છે, પરંતુ લગ્નના દિવસે મળતી ભેટ પર આ શરત લાગુ પડતી નથી. જોકે, આમાં એક મોટી શરત 'રોકડ વ્યવહાર' ને લઈને છે.
રોકડ ભેટ (Cash Gift) સ્વીકારવાનો મહત્વનો નિયમ
ભેટ ટેક્સ-ફ્રી હોવા છતાં, સરકાર કાળા નાણાં પર રોક લગાવવા માટે રોકડ વ્યવહાર પર કડક નજર રાખે છે. આવકવેરાની કલમ 269ST (Section 269ST) અનુસાર, કોઈપણ વ્યક્તિ એક જ દિવસમાં, એક જ દાતા પાસેથી અથવા એક જ પ્રસંગે ₹2 Lakh કે તેથી વધુ રકમ રોકડમાં સ્વીકારી શકતી નથી.
સરળ શબ્દોમાં કહીએ તો, જો તમારા કોઈ કાકા, મામા કે મિત્ર તમને લગ્નમાં ખુશ થઈને ₹2,50,000 રોકડા આપે છે, તો તે ભલે પ્રેમથી આપ્યા હોય, પરંતુ કાયદાની દ્રષ્ટિએ તે નિયમનું ઉલ્લંઘન ગણાશે.
નિયમ તોડવા પર કેટલો દંડ થશે?
આ નિયમનું ઉલ્લંઘન કરવું તમને ભારે પડી શકે છે. જો તમે ₹2 Lakh ની મર્યાદા ઓળંગીને રોકડ સ્વીકારો છો, તો આવકવેરા વિભાગ તમારી પાસેથી તેટલી જ રકમનો દંડ (Penalty) વસૂલી શકે છે.
ઉદાહરણ: જો તમે કોઈની પાસેથી ₹3 Lakh રોકડમાં લીધા, તો તમારે દંડ તરીકે પૂરેપૂરા ₹3 Lakh સરકારને ચૂકવવા પડશે. એટલે કે તમને મળેલી ભેટ શૂન્ય થઈ જશે અને ઉલટાની મુસીબત વધશે.
મોટી રકમની ભેટ કેવી રીતે સ્વીકારવી?
જો તમારા કોઈ સ્વજન તમને ₹2 Lakh થી વધુ રકમ ભેટ તરીકે આપવા માંગતા હોય, તો તેને રોકડમાં લેવાનું ટાળો. દંડથી બચવા માટે નીચે મુજબના વિકલ્પો અપનાવો:
બેંકિંગ ચેનલ: રકમ ચેક (Cheque), ડ્રાફ્ટ, RTGS, NEFT અથવા IMPS દ્વારા સ્વીકારો.
ડિજિટલ પેમેન્ટ: UPI અથવા અન્ય ઓનલાઈન ટ્રાન્સફરનો ઉપયોગ કરો.
જ્યારે વ્યવહાર બેંકિંગ ચેનલ દ્વારા થાય છે, ત્યારે તેના પર Section 269ST નો રોકડ મર્યાદાનો નિયમ લાગુ પડતો નથી. આમ કરવાથી તમે કાયદાકીય રીતે સુરક્ષિત રહેશો અને ભેટનો આનંદ પણ માણી શકશો.