ભાડાના મકાનમાં રહેવું હવે બનશે સસ્તું? કેન્દ્ર સરકારની આ યોજનાથી સામાન્ય માણસને થશે સીધો ફાયદો
પગારદાર વર્ગ માટે રાહત: મેટ્રો સિટીના લિસ્ટમાં ફેરફારનો પ્રસ્તાવ; હવે નોન-મેટ્રો ગણાતા શહેરોમાં પણ મળશે મુંબઈ-દિલ્હી જેટલો જ લાભ, જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ કરનારાઓને થશે સીધો ફાયદો.

HRA Exemption Limit: દેશના મોટા શહેરોમાં નોકરી કરતા અને ભાડાના મકાનમાં રહેતા 'પગારદાર કર્મચારીઓ' (Salaried Employees) માટે અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. જો તમે તમારી કમાણીનો મોટો હિસ્સો ઘરભાડામાં ખર્ચો છો, તો સરકાર તમને મોટી ટેક્સ ભેટ આપવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી જે કર મુક્તિનો લાભ માત્ર ચાર મહાનગરો પૂરતો સીમિત હતો, તેનો વ્યાપ હવે વધારવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ નિર્ણય વધતી મોંઘવારી અને ભાડાના દરો વચ્ચે મધ્યમ વર્ગ માટે 'સંજીવની' સમાન સાબિત થઈ શકે છે.
હાલના 'ઇન્કમ ટેક્સ' (Income Tax) નિયમો મુજબ, દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં રહેતા કર્મચારીઓ 'જૂની ટેક્સ વ્યવસ્થા' (Old Tax Regime) હેઠળ તેમના પગારના 50% સુધી 'હાઉસ રેન્ટ એલાઉન્સ' (HRA) ક્લેમ કરી શકે છે. જ્યારે દેશના અન્ય તમામ શહેરો માટે આ મર્યાદા 40% છે. પરંતુ હવે સરકારના નવા પ્રસ્તાવ મુજબ, આ લિસ્ટમાં બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને અમદાવાદ (Ahmedabad) ને પણ મેટ્રો સિટીની સમકક્ષ ગણવામાં આવશે.
આ ફેરફારનો સીધો અર્થ એ છે કે, અમદાવાદ સહિતના આ 4 શહેરોમાં રહેતા કર્મચારીઓને પણ હવે 40% ને બદલે સીધો 50% HRA મુક્તિનો લાભ મળશે. આમ, જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો દેશના કુલ 8 મોટા શહેરોમાં 50% ની મર્યાદા લાગુ થશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છેલ્લા એક દાયકામાં બદલાયેલું શહેરીકરણનું ચિત્ર છે.
સરકારનું માનવું છે કે બેંગલુરુ, હૈદરાબાદ કે અમદાવાદ જેવા શહેરો હવે માત્ર નામ પૂરતા જ 'નોન-મેટ્રો' (Non-Metro) રહ્યા છે. આ શહેરોમાં પણ 'કોસ્ટ ઓફ લિવિંગ' (Cost of Living) મુંબઈ કે દિલ્હીને ટક્કર આપે તેવું વધી ગયું છે. આ શહેરો દેશના મુખ્ય 'આઈટી' (IT) અને મેન્યુફેક્ચરિંગ હબ બની ગયા છે, જેના કારણે અહીં ભાડાના દરોમાં તોતિંગ વધારો થયો છે.
જૂની 40% ની મર્યાદા અહીંના કર્મચારીઓ માટે મોંઘવારી સામે લડવા અપૂરતી સાબિત થઈ રહી હતી. આ ફેરફારનો સીધો લાભ તે કર્મચારીઓને મળશે જેઓ હજુ પણ જૂની ટેક્સ રિજીમ પસંદ કરે છે. બચતનું ગણિત સમજીએ તો, જો તમે 40% થી 50% ના સ્લેબમાં આવો છો, તો તમારી 'કરપાત્ર આવક' (Taxable Income) માં નોંધપાત્ર ઘટાડો થશે.
પરિણામે, તમારે ઓછો ટેક્સ ભરવો પડશે અને તમારા હાથમાં આવતો પગાર એટલે કે 'ઈન-હેન્ડ સેલેરી' (In-hand Salary) વધશે. જોકે, અહીં એ નોંધવું જરૂરી છે કે નવી ટેક્સ વ્યવસ્થામાં HRA નો લાભ મળતો નથી, તેથી ત્યાં કોઈ ફેરફાર થશે નહીં. આ માત્ર રોકાણ અને કપાતનો લાભ લેનારાઓ માટે છે.
નિષ્ણાતોના મતે, આ પગલું નોકરિયાત વર્ગના હાથમાં વધુ રોકડ ઉપલબ્ધ કરાવશે, જે સરવાળે અર્થતંત્રમાં માંગ વધારવામાં મદદરૂપ થશે. હવે સૌની નજર સરકારના સત્તાવાર નોટિફિકેશન પર છે કે ક્યારથી આ નવા નિયમો લાગુ કરવામાં આવશે.























