IDFC First Bank-IDFC Merger: IDFC ફર્સ્ટ બેન્કના બોર્ડે IDFC લિમિટેડ અને IDFC ફાઇનાન્શિયલ હોલ્ડિંગ કંપનીના મર્જરને મંજૂરી આપી છે. એચડીએફસી બેન્ક અને એચડીએફસી લિમિટેડના મર્જર પછી નાણાકીય ક્ષેત્રે આ બીજી સૌથી મોટી ડીલ છે. આ પ્રસ્તાવિત મર્જર હેઠળ IDFC લિમિટેડના શેરધારકોને દરેક 100 આઇડીએફસીના શેરના બદલામાં આઇડીએફસી ફર્સ્ટ બેન્કના 155 શેર મળશે.


IDFC બેંકના બોર્ડે મંજૂરી આપી


સોમવારે આપવામાં આવેલી એક્સચેન્જ ફાઇલિંગમાં IDFC ફર્સ્ટ બેન્કે જણાવ્યું હતું કે બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે IDFC લિમિટેડ અને IDFC ફર્સ્ટ બેન્ક વચ્ચેના કરારને મંજૂરી આપી છે. આ હેઠળ સૂચિત ટ્રાન્ઝેક્શન લાગુ કરવામાં આવશે. આ મર્જર આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.


રેગ્યુલેટરી ઓથોરિટીની મંજૂરીની રાહ જોવાઈ રહી છે


જો કે, આ મર્જર માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મંજૂરી મેળવવી જરૂરી છે. આ ઉપરાંત સેબી, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, સ્ટોક એક્સચેન્જ તેમજ બીએસઈ, એનએસઈ અને અન્ય રેગ્યુલેટરી ઓથોરિટી અને મંજૂરીઓ પણ જરૂરી રહેશે.


શેરહોલ્ડિંગમાં ફેરફાર કેવી રીતે થશે?


IDFC લિમિટેડ પાસે IDFC ફર્સ્ટ બેન્કમાં આઇડીએફસી ફાઇનાન્શિયલ હોલ્ડિંગ મારફતે 40 ટકા હિસ્સો છે. IDFC એ 100 ટકા એટલે કે પબ્લિક કંપની છે. આ મર્જર પછી IDFC ફર્સ્ટ બેંકમાં IDFC લિમિટેડની હિસ્સેદારીનો અંત આવશે.


IDFC ફર્સ્ટ બેંક અને IDFC લિમિટેડની કુલ સંપત્તિ


માર્ચ 2023ના અંત સુધીમાં IDFC ફર્સ્ટ બેંકની કુલ સંપત્તિ રૂ. 2.4 લાખ કરોડ હતી અને તેનું ટર્નઓવર રૂ. 27,194.51 કરોડ હતું. નાણાકીય વર્ષ 2023માં બેંકનો ચોખ્ખો નફો 2437.13 કરોડ રૂપિયા હતો. બીજી તરફ IDFC લિમિટેડ વિશે વાત કરીએ તો તેની પાસે કુલ રૂ. 9,570.64 કરોડની સંપત્તિ હતી અને તેનું ટર્નઓવર રૂ. 2,076 કરોડ હતું.


સોમવારે IDFC શેરમાં જોરદાર ઉછાળો


દલાલ સ્ટ્રીટે આ સમાચારના આગમનનો અંદાજો લગાવી દીધો હતો અને તેના આધારે ગઈ કાલે શેરબજારમાં IDFCનો શેર 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. IDFCનો શેર સોમવારે 6.3 ટકા વધીને રૂ. 109.20 પ્રતિ શેર પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ IDFC ફર્સ્ટ બેન્કનો શેર 3 ટકાના વધારા સાથે રૂ. 81.95 પ્રતિ શેર પર ટ્રેડિંગ બંધ કરવામાં સફળ રહ્યો હતો.