National Numbering Plan: ટેલિકોમ સેક્ટર રેગ્યુલેટર ટ્રાઈ(Trai)એ મોબાઈલ અને લેન્ડલાઈન નંબર લેવા પર ફી વસૂલવાના સમાચારને નકારી કાઢ્યા છે. ટ્રાઈએ પોતાના નિવેદનમાં કહ્યું કે, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ટ્રાઈ એકથી વધુ સિમ ધરાવતા ગ્રાહકો અને નંબરિંગ રિસોર્સ પર કોઈ પ્રકારનો ચાર્જ લાદવાનું વિચારી રહી છે, જે  સંપૂર્ણપણે પાયાવિહોણી છે. ટ્રાઈએ કહ્યું કે આવા ખોટા દાવાઓનો હેતુ માત્ર લોકોને ગેરમાર્ગે દોરવાનો છે.


કન્સલ્ટેશન પેપરનો સંદર્ભ આપતા, ટ્રાઈએ કહ્યું, અમારા ધ્યાન પર આવ્યું છે કે કેટલીક મીડિયા સંસ્થાઓએ અહેવાલ આપ્યો છે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પ્રસ્તાવ મૂક્યો છે કે મોબાઈલ અને લેન્ડલાઈન નંબરની ફાળવણી માટે ફી વસૂલવામાં આવશે, જેનાથી આ સંસાધનોનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરી શકાય.  ટ્રાઈના જણાવ્યા અનુસાર, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટ્રાઈ એકથી વધુ મોબાઈલ સિમ ધરાવતા ગ્રાહકો પર અથવા નંબરિંગ રિસોર્સેઝની ફાળવણી પર ચાર્જ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે.



ટ્રાઈએ તેની સ્પષ્ટતામાં કહ્યું છે કે, આવા દાવાઓ પાયાવિહોણા છે અને માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. ટ્રાઈના જણાવ્યા મુજબ, તે સતત ન્યૂનતમ નિયમનકારી હસ્તક્ષેપની તરફેણમાં છે અને માર્કેટ ફોર્સેઝના ફોરબીયરેંસ અને સેલ્ફ -રેગ્યૂલેશનને  પ્રોત્સાહન આપી રહ્યું છે. ટ્રાઈએ કહ્યું કે, અમે કન્સલ્ટેશન પેપરને લગતી આવી ભ્રામક માહિતીના ફેલાવાને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ અને સખત નિંદા કરીએ છીએ.


6 જૂન, 2024ના રોજ, TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ નેશનલ નંબરિંગ પ્લાનના રિવિઝન માટે કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું. આ કન્સલ્ટેશન પેપરના સંદર્ભમાં, ટ્રાઈએ 4 જુલાઈ, 2024 સુધીમાં સ્ટેકહોલ્ડર પાસેથી લેખિત સૂચનો માંગ્યા છે અને તેમને 18 જુલાઈ સુધીમાં જવાબી ટિપ્પણીઓ આપવા પણ કહ્યું છે.


TRAI એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, દૂરસંચાર વિભાગ ટેલિકોમ્યુનિકેશન આઇડેન્ટિફાયર (TI) સંસાધનોનો એકમાત્ર કસ્ટોડિયન છે. અને 29 સપ્ટેમ્બર, 2022 ના રોજ, તેણે દેશમાં સંશોધિત રાષ્ટ્રીય નંબરિંગ યોજના અંગે સૂચનો માંગ્યા હતા જેથી દેશમાં નંબરિંગ સંસાધનોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય. આ નેશનલ નંબરિંગ પ્લાનની સમીક્ષા કરવા માટે ટ્રાઈનું કન્સલ્ટેશન પેપર બહાર પાડવામાં આવ્યું હતું જેથી કરીને ટેલિકોમ ઓળખકર્તા સંસાધનોની ફાળવણી અને ઉપયોગને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરી શકાય. ટ્રાઈએ કહ્યું કે, તેની પરામર્શ પારદર્શિતા પર આધારિત છે.