પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે મોંઘવારી વધવા લાગી છે. ઓઈલ કંપનીઓએ પણ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. આના કારણે બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં 14.2 કિલો નોન-સબસિડીવાળા સિલિન્ડર 1000 રૂપિયાને પાર કરી ગયો છે. બિહારના સુપૌલમાં તે 1055 રૂપિયામાં મળી રહ્યો છે. દિલ્હીની વાત કરીએ તો હવે અહીં 14.2 કિલો નોન-સબસિડીવાળું સિલિન્ડર 949.50 રૂપિયામાં મળશે.
આ 11 શહેરોમાં સિલિન્ડરનો આંક હજારને વટાવી ગયો છે
મધ્યપ્રદેશ: ભીંડ (રૂ. 1031), ગ્વાલિયર (રૂ. 1033.50) અને મોરેના (રૂ. 1033)
બિહાર: સુપૌલ (રૂ. 1055), પટના (રૂ. 1048), ભાગલપુર (રૂ. 1047.50) અને ઔરંગાબાદ (રૂ. 1046)
ઝારખંડ: દુમકા (રૂ. 1007) અને રાંચી (રૂ. 1007)
છત્તીસગઢ: કાંકેર (રૂ. 1038) અને રાયપુર (રૂ. 1021)
ઉત્તર પ્રદેશ: સોનભદ્ર (રૂ. 1019)
મુખ્ય શહેરમાં 14.2 કિલોગ્રામ LPG સિલિન્ડરની કિંમત
શહેર | કિંમત (રૂપિયામાં) |
દિલ્હી | 949.50 |
મુંબઈ | 949.50 |
કોલકાતા | 976.00 |
જયપુર | 953.50 |
ભોપાલ | 955.50 |
1 વર્ષમાં ગેસ સિલિન્ડરનો ભાવ 130.50 રૂપિયા વધ્યો
1 માર્ચ, 2021ના રોજ દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 819 રૂપિયા હતી, જે હવે 949.50 રૂપિયા પર પહોંચી ગઈ છે. એટલે કે છેલ્લા એક વર્ષમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 130.50નો વધારો થયો છે. સાથે જ આના પર મળતી સબસિડી પણ નાબૂદ કરી દેવામાં આવી છે.
છેલ્લા 8 વર્ષમાં ગેસ સિલિન્ડરના ભાવ બમણાથી પણ વધુ
છેલ્લા 8 વર્ષમાં ઘરેલું ગેસ સિલિન્ડર (14.2 કિગ્રા)ની કિંમત બમણી થઈને 949.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. 1લી માર્ચ 2014ના રોજ 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 410.5 રૂપિયા હતી જે હવે 949.50 રૂપિયા છે.
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે મોંઘવારી વધી રહી છે
લાંબા સમયથી પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. 4 નવેમ્બર, 2021થી પેટ્રોલ અને ડીઝલના દર સ્થિર હતા. 6 ઓક્ટોબર, 2021 થી ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર થયો નથી. બીજી તરફ, રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 40% સુધી ઉછળી હતી. આ કારણે તેલ કંપનીઓ પર તેમની કિંમતો વધારવાનું દબાણ હતું.
પેટ્રોલ અને ડીઝલ 80 પૈસા મોંઘુ થયું છે
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો થયો છે. જેના કારણે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 96.21 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. બીજી તરફ એક લિટર ડીઝલનો ભાવ 86.67 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 87.47 રૂપિયા પ્રતિ લિટર થયો છે.