Income Tax Notice on Moonlighting: આવકવેરા વિભાગે તાજેતરના ભૂતકાળમાં ઘણા કરદાતાઓને આવકવેરા નોટિસ જાહેર કરી છે. IT વિભાગ એવા કર્મચારીઓ પર પણ નજર રાખી રહ્યું છે જેમણે તેમની નોકરી સિવાય મૂનલાઇટિંગ દ્વારા કમાણી કરી છે અને આવકવેરા રિટર્નમાં તેની માહિતી આપી નથી.  વિભાગે નાણાકીય વર્ષ 2019-2020 અને 2020-2021 માટે નોટિસ જાહેર  કરી છે. જે કર્મચારીઓને આ નોટિસ મોકલવામાં આવી છે તેમાં ઘણા એવા લોકો છે જેમની મૂનલાઇટિંગ દ્વારા થતી કમાણી તેમના નિયમિત પગાર કરતા વધુ છે. ઉલ્લેખનીય છે કે એક સાથે એક કરતાં વધુ કંપનીમાં કામ કરવું જેને મૂનલાઇટિંગ કહેવાય છે.


ઘણા આઈટી પ્રોફેશનલ્સનો સેલેરી છૂપાવે છે


ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ મુજબ, મૂનલાઈટિંગ દ્વારા કમાણી કરનારા મોટાભાગના લોકો આઈટી સેક્ટર, એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ છે. એવા ઘણા લોકો છે જેમના ખાતામાં પૈસા વિદેશથી ટ્રાન્સફર થયા છે, પરંતુ આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તેઓએ તેમના નિયમિત પગાર પર જ ટેક્સ ચૂકવ્યો છે. વર્ષ 2019 અને 2021 વચ્ચે આવા કેસ સૌથી વધુ જોવા મળ્યા છે.


આ સમયગાળા દરમિયાન આવકવેરા વિભાગે આવા 1,100 થી વધુ કર્મચારીઓને નોટિસ પાઠવી છે જેમણે મૂનલાઇટિંગ દ્વારા કમાણી પર ટેક્સ ચૂકવ્યો નથી. ખાસ વાત એ છે કે મૂનલાઈટિંગ દ્વારા કમાણી કરનારા મોટાભાગના કર્મચારીઓની જાણકારી ઇન્કમટેક્સ વિભાગને એ કંપનીઓએ આપી છે જેમાં તેઓ કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આઈટી વિભાગે વિદેશી ટ્રાન્ઝેક્શન પર નજર રાખીને આવા લોકોને સરળતાથી શોધી કાઢ્યા છે.


કોરોના મહામારી દરમિયાન મૂનલાઇટિંગ કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે


ઉલ્લેખનીય છે કે, કોરોના લોકડાઉન દરમિયાન મોટાભાગની કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપી હતી. આવી સ્થિતિમાં લોકો મૂનલાઇટિંગ મારફતે ઘરે બેસીને સારી કમાણી કરી રહ્યા હતા. તે પોતાની કંપનીની સાથે બીજા ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. આઈટી સેક્ટરમાં સૌથી મૂનલાઇટિંગ કરનારા લોકો જોવા મળે છે. મૂનલાઇટિંગની વધતી અસરને જોઈને, વિપ્રો, ઇન્ફોસિસ, ટીસીએસ વગેરે જેવી ઘણી કંપનીઓએ મોટી કાર્યવાહી કરી હતી અને ઘણા લોકોને તેમની નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.