India’s First Private Train: દેશની પ્રથમ ખાનગી ટ્રેન 15 જૂન મંગળવારથી શરૂ થઈ ગઈ છે. ભારત ગૌરવ યોજના હેઠળ શરૂ થયેલી આ ટ્રેનને કોઈમ્બતુરથી લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ ટ્રેન ગુરુવારે શિરડીના સાંઈ નગર પહોંચી હતી. દક્ષિણ રેલવેના જનસંપર્ક અધિકારી (CPRO) બી ગુગનેસનના જણાવ્યા અનુસાર, 20 કોચની આ વિશેષ ટ્રેનમાં 1500 મુસાફરો મુસાફરી કરી શકશે. આ ટ્રેનની સૌથી ખાસ વાત એ છે કે તેનું ભાડું પણ ભારતીય રેલવેની ટ્રેન ટિકિટના ભાવ જેટલું છે.


પ્રથમ વખત એક હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી


આ ખાનગી ટ્રેનની પ્રથમ મુસાફરીમાં મંગળવારે 1100 મુસાફરો સાંજે 6 વાગ્યે કોઈમ્બતુરથી શિરડી માટે રવાના થયા હતા. ટ્રેન ગુરુવારે સવારે 7.25 વાગ્યે શિરડી પહોંચી હતી. અહીં એક દિવસ રોકાયા પછી, આ ટ્રેન શનિવારે 18 જૂનના રોજ કોઈમ્બતુર ઉત્તર માટે રવાના થશે.


દક્ષિણ રેલવે તરફથી મળેલી માહિતી અનુસાર, શિરડી પહોંચતા પહેલા ટ્રેનના સ્ટોપેજમાં તિરુપુર, ઈરોડ, સાલેમ જોલારપેટ, બેંગ્લોર યેલાહંકા, ધર્મવારા, મંત્રાલયમ રોડ અને વાડી સ્ટેશનનો સમાવેશ થાય છે. આટલું જ નહીં શિરડી સાંઈ બાબા મંદિરમાં વિશેષ વીઆઈપી દર્શનની વ્યવસ્થા પણ આ યાત્રામાં સામેલ કરવામાં આવી છે.


આ મુસાફરી દરમિયાન, આ ટ્રેન યાત્રીઓ માટે મંત્રાલય મંદિરના દર્શન માટે પાંચ કલાક માટે મંત્રાલયમ રોડ સ્ટેશન પર રોકાશે. આ સાથે રેલ્વે મંત્રાલયનું કહેવું છે કે આ પ્રવાસ દરમિયાન આ ટ્રેન ઘણા ઐતિહાસિક મહત્વના સ્થળો પરથી પસાર થશે, જેના કારણે મુસાફરોને ભારતના સાંસ્કૃતિક વારસાથી પણ પરિચિત થવાની તક મળશે.




રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ પહેલી ખાનગી ટ્રેનનો વીડિયો શેર કર્યો છે. રેલ્વે મંત્રીના જણાવ્યા અનુસાર, ભારત ગૌરવ ટ્રેન 'દેખો અપના દેશ' હેઠળ સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારની પહેલ છે. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ખાનગી ટ્રેનની રજૂઆત સાથે, દક્ષિણ રેલ્વે ભારત ગૌરવ યોજના હેઠળ પ્રથમ રજીસ્ટર સેવા પ્રદાન કરનાર ભારતીય રેલ્વેનો પ્રથમ ઝોન બની ગયો છે.


ટ્રેનમાં શાકાહારી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે


ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત ગૌરવ યોજના હેઠળ ચાલતી આ ટ્રેનને રેલવે દ્વારા 2 વર્ષ માટે સર્વિસ પ્રોવાઈડરને લીઝ પર આપવામાં આવી છે. સર્વિસ પ્રોવાઈડરે કોચ સીટોને નવી રીતે બનાવી છે. આ ટ્રેન દ્વારા દર મહિને ઓછામાં ઓછી ત્રણ મુસાફરી થશે. આ ખાનગી ટ્રેનમાં 20 કોચ છે. જેમાં 12 એસી, પાંચ સ્લીપર, એક પેન્ટ્રી કાર અને બે સ્લીપર (SLR) કોચ છે. તેની ઓપરેશન ટીમમાં ટ્રેન કેપ્ટન, ખાનગી સુરક્ષા કર્મચારીઓ, એક ડૉક્ટર, 24 કલાક સફાઈ માટે સફાઈ કર્મચારીઓ, રેલવે પોલીસ ફોર્સનો સમાવેશ થશે. ટ્રેનમાં શાકાહારી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રેલ્વે રીલીઝ મુજબ, આ ટ્રેનનું ભાડું ભારતીય રેલ્વેની રેગ્યુલર ટ્રેન ટીકીટના ભાવ જેટલું છે.