India-US Trade Deal : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ (India-US Trade Deal) ને લઈ સતત અપડેટ સામે આવી રહ્યા છે. કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલે કહ્યું કે અમેરિકા સાથે દેશનો વેપાર મજબૂત સ્થિતિમાં છે. મીડિયા અહેવાલો અનુસાર, તેમણે જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો વચ્ચે ભારત ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ટ્રેડ ડીલની નજીક છે. કોમર્સ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થવાની સંભાવના છે. જોકે, તેમણે કહ્યું કે તેઓ કોઈ સમયમર્યાદા જણાવી શકતા નથી. કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલે એમ પણ કહ્યું હતું કે ભારત અને અમેરિકા ટ્રેડ ડીલને લઈ આશાવાદી છે, અને બંને દેશો વચ્ચે આ સંબંધમાં ચર્ચાઓ ચાલી રહી છે.
ક્યારે થશે ટ્રેડ ડીલની જાહેરાત ?
લેટેસ્ટ ટ્રેડ ડેટા જાહેર કરતા સમયે કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલે વધુ સ્પષ્ટતા કરી હતી કે ભારત અને અમેરિકા વચ્ચેની વાટાઘાટો ખરેખર ક્યારેય તૂટી નથી. "અમે સતત વાતચીત કરી રહ્યા છીએ. પિયુષ ગોયલ અને USTR ગ્રીર વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ થઈ છે અને કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. તે ખૂબ જ નજીક છે, પરંતુ અમે કોઈ સમયમર્યાદા આપી શકતા નથી." આ ડીલ ત્યારે થશે જ્યારે બંને પક્ષો તૈયાર હશે અને અમે તેની જાહેરાત કરવા માટે તૈયાર રહીશું."
ભારત પર 50 ટકા ટેરિફ
હાલમાં, યુએસ ભારતીય માલ પર કુલ 50 ટકા ટેરિફ લાદી રહ્યું છે. આમાં 25 ટકા બેઝ ટેરિફનો સમાવેશ થાય છે, જ્યારે રશિયા પાસેથી ઓછા ભાવે તેલ ખરીદવા બદલ દંડ તરીકે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને યુએસ વચ્ચે વેપાર વાટાઘાટો લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોને રક્ષણ આપવાના મુદ્દાને કારણે ભારતે તેના બજારો ખોલવા માટે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. બંને દેશો વચ્ચે વાટાઘાટોના અનેક રાઉન્ડ થયા છે, પરંતુ કોઈ નક્કર પરિણામો પ્રાપ્ત થયા નથી. પરિણામે, ભવિષ્યની વેપાર વાટાઘાટો અંગે અનિશ્ચિતતા રહે છે, જોકે બંને પક્ષો વચ્ચે કરારની આશા રહે છે.