India US trade deal talks: અમેરિકા દ્વારા રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી પર 50% ટેરિફ લાદવામાં આવ્યા બાદ ભારત અને અમેરિકાના વેપાર પ્રતિનિધિઓ વચ્ચે પ્રથમ રૂબરૂ બેઠક યોજાઈ. આ બેઠક 7 કલાક સુધી ચાલી અને બંને પક્ષોએ તેને ‘સકારાત્મક’ ગણાવી. દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર અટકી ગયેલી વાટાઘાટોને ફરી શરૂ કરવા માટે આ બેઠક એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. જોકે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના ખેડૂતો, ડેરી ઉત્પાદકો અને MSMEના હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
તાજેતરમાં, ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં એક નવા અધ્યાયનો પ્રારંભ થયો, જ્યારે બંને દેશોના વેપાર પ્રતિનિધિઓ વચ્ચે 7 કલાક લાંબી બેઠક યોજાઈ. આ બેઠકનું આયોજન એવા સમયે થયું હતું જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ ભારત પર 50% ટેરિફ લાદીને તણાવ વધાર્યો હતો. આ ભારે કરને ભારતે 'અન્યાયી' ગણાવ્યો હતો.
આ વાટાઘાટોમાં, અમેરિકાનું પ્રતિનિધિત્વ દક્ષિણ અને મધ્ય એશિયા માટે યુએસ વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચે કર્યું, જ્યારે ભારત તરફથી વધારાના સચિવ રાજેશ અગ્રવાલ મુખ્ય વાટાઘાટકાર તરીકે હાજર રહ્યા. યુએસ દૂતાવાસના જણાવ્યા અનુસાર, આ દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો અત્યંત સકારાત્મક અને ફળદાયી રહી હતી.
ગત ફેબ્રુઆરી મહિનામાં, બંને દેશોના નેતાઓએ અધિકારીઓને દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર વાટાઘાટો શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ કરારનો પ્રથમ તબક્કો વર્ષ 2025ના અંત સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં પાંચ રાઉન્ડની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી હતી, અને છઠ્ઠો રાઉન્ડ 25-29 ઓગસ્ટ દરમિયાન યોજાવાનો હતો. જોકે, અમેરિકા દ્વારા 50% ટેરિફ લાદવામાં આવતા આ વાટાઘાતો મુલતવી રાખવામાં આવી હતી. હવે, 16 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી આ બેઠકને એક રીતે અટકેલી વાતચીતને ફરી ગતિશીલ બનાવવાની પહેલ તરીકે જોવામાં આવે છે.
વાટાઘાટોમાં શું ચર્ચાયું?
વાણિજ્ય મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું કે, "ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર પરની ચર્ચા સકારાત્મક અને દૂરંદેશી હતી, જેમાં ઘણા મહત્ત્વના પાસાઓ આવરી લેવામાં આવ્યા હતા." આ બેઠકમાં સૌથી મહત્ત્વનો નિર્ણય એ લેવાયો કે વેપાર કરારને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા માટે બંને દેશો પ્રયત્નશીલ રહેશે. જોકે, વાણિજ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યું કે આ બેઠકને છઠ્ઠા રાઉન્ડની વાટાઘાત ન ગણવી જોઈએ, પરંતુ તેના પહેલાંની એક પ્રારંભિક વાતચીત તરીકે જોવી જોઈએ, જે ભવિષ્યના રોડમેપ માટે માર્ગ મોકળો કરશે.
ભારતનું સ્પષ્ટ વલણ
રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીના મુદ્દે ભારતે પોતાનું વલણ હંમેશા સ્પષ્ટ રાખ્યું છે. સરકારે વારંવાર ભાર મૂક્યો છે કે તેની ઊર્જા ખરીદી રાષ્ટ્રીય હિત અને બજાર દ્વારા સંચાલિત છે. આ ઉપરાંત, ભારતે એ પણ ખાતરી આપી છે કે કોઈપણ વેપાર કરારમાં દેશના ખેડૂતો, ડેરી ઉત્પાદકો અને MSMEના હિતોને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવશે અને તેમનું રક્ષણ કરવામાં આવશે. આ મુદ્દાઓ ભવિષ્યની વાટાઘાટોમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવશે.