Intelligent Traffic Management System: માર્ગ સલામતીના કાયદાનું ઉલ્લંઘન તમને મોંઘુ પડશે. દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યે ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સિસ્ટમ હેઠળ બેંગલુરુ-મૈસૂર રોડ નેટવર્ક કેમેરાથી સજ્જ હશે. અહીં લગાવવામાં આવેલા કેમેરા કાયદાનું ઉલ્લંઘન કરનારાઓની ઓળખ કરશે જેથી તેમની સામે તાત્કાલિક પગલાં લઈ શકાય. સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે ફાસ્ટેગ દ્વારા ચલણ આપી શકાય. આ માટે ટૉલ ગેટને ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સાથે જોડવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
બેંગલુરું-મૈસૂર એક્સપ્રેસ વે પર લાગશે કેમેરા અને સ્પીડ ગન
કર્ણાટક પોલીસે દારૂના નશામાં ડ્રાઇવિંગને રોકવા માટે 155 લેસર સ્પીડ ગન અને 800 અલ્કોમીટર્સનું રાજ્યભરમાં વિતરણ પણ કર્યું છે. ADGP ટ્રાફિક અને રોડ સેફ્ટી આલોક કુમારે કહ્યું કે 1 જુલાઈથી સમગ્ર બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમથી સજ્જ થઈ જશે. આ સિસ્ટમ ડિસેમ્બર 2022માં બેંગલુરુમાં લોન્ચ કરવામાં આવી હતી. ITMS ટેક્નોલોજી હેઠળ 50 મુખ્ય જંકશન પર 250 ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન કેમેરા અને 80 રેડ લાઈટ ડિટેક્શન કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. મૈસૂરમાં ટ્રાફિક નિયમો તોડનારાઓને 1 જુલાઈથી ચલણ મળવાનું શરૂ થઈ જશે.
ટ્રાફિક નિયમો તોડવા પર રિયલ ટાઇમમાં આવશે SMS એલર્ટ
આલોક કુમારે ડેક્કન હેરાલ્ડને જણાવ્યું કે મૈસૂરમાં ટ્રાફિક મેનેજમેન્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. ટૂંક સમયમાં નિયમોનો ભંગ કરનારાઓને રીઅલ ટાઇમ પર SMS ચેતવણીઓ મળવાનું શરૂ થશે. કેમેરાની મદદથી ઘણા વિસ્તારો પર નજર રાખવામાં આવશે. તેમણે કહ્યું કે બેંગલુરુને જોડતા તમામ હાઈવે પર ITMS લગાવવામાં આવશે. સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ માટે સરકાર દ્વારા જુલાઈમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.
ચલણ સિસ્ટમને ફાસ્ટટેગની સાથે ઇન્ટીગ્રેટ કરવા પર ચર્ચા
રિપોર્ટ અનુસાર, બેઠકમાં રાજ્ય પોલીસની ટ્રાફિક અને રોડ સેફ્ટી વિંગે ફાસ્ટેગ સાથે ટોલ ગેટ પર ચલણ સિસ્ટમને ઇન્ટીગ્રેટ કરવા પર ચર્ચા કરી હતી. આ સાથે ફાસ્ટેગ વોલેટમાંથી સીધો જ દંડ કાપી શકાય છે. ADGP તેની મંજૂરી માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયને પત્ર લખવાની યોજના ધરાવે છે.