Income Tax Return: નાણાકીય વર્ષ 2023-24 અને આકારણી વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા નજીક આવી ગઈ છે. આવકવેરા રિટર્ન 31 જુલાઈ, 2024 સુધીમાં દાખલ કરવું આવશ્યક છે. નહીંતર પછીથી તમારે દંડ ચૂકવવો પડશે. આવકવેરા રિટર્ન દાખલ કરવાની સમયમર્યાદા જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આવકવેરા વિભાગ દ્વારા એક્સ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આકારણી વર્ષ 2024-25 માટે 26 જુલાઈ, 2024 સુધીમાં 5 કરોડથી વધુ આઈટી રિટર્ન ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફાઈલ કરવામાં આવ્યા છે.
26 જુલાઈ સુધીમાં 5 કરોડ રિટર્ન દાખલ થયા
માત્ર 26 જુલાઈના રોજ 28 લાખથી વધુ આઈટી રિટર્ન દાખલ કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે કરદાતાઓને માહિતી આપી છે કે આ વર્ષે આઈટી રિટર્ન દાખલ કરવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે જાણીતી આઈટી કંપની ઇન્ફોસિસ (Infosys) સાથે ભાગીદારી કરી છે. આ સાથે આવકવેરા વિભાગે દાવો કર્યો છે કે આઈટી રિટર્ન દાખલ કરવાના છેલ્લા અઠવાડિયામાં પણ કરદાતાઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં થાય.
આવકવેરા પોર્ટલ થયું ડાઉન
ભલે આવકવેરા વિભાગે દાવો કર્યો છે કે કરદાતાઓને આઈટી રિટર્ન દાખલ કરવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે, પરંતુ ઘણા કરદાતાઓ ઈ-ફાઈલિંગ પોર્ટલના ડાઉન થવાની ફરિયાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સીએ ચિરાગ ચૌહાને આ અંગે ફરિયાદ કરતા લખ્યું કે આવકવેરા પોર્ટલ ડાઉન છે! @IncomeTaxIndia પોર્ટલ ખૂબ જ ધીમી ગતિએ કામ કરી રહ્યું છે.
લોકોએ વ્યક્ત કર્યો ગુસ્સો!
સીએ ચિરાગ ચૌહાને ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું કે જો કરદાતાઓ સમયસર આઈટી રિટર્ન દાખલ નથી કરતા તો આવકવેરા વિભાગ દંડ લગાવે છે. જોકે, જો આઈટી રિટર્ન દાખલ નથી થતું તો તેના માટે કોણ જવાબદાર છે. આવકવેરા વિભાગે ઇન્ફોસિસને અવરોધ વિના આઈટી દાખલ કરવા માટે નિયુક્ત કર્યું છે. જો આઈટી રિટર્નની સમયમર્યાદા ચૂકી જવાય તો શું ઇન્ફોસિસ દંડ ચૂકવશે.