Jio crossing a major milestone : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ફરી એકવાર નોંધપાત્ર સફળતા મેળવી છે. નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરમાં, જિયોએ 500 મિલિયન ગ્રાહકોનો આંકડો વટાવી દીધો છે. આ સાથે કંપનીની પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક (ARPU) વધીને ₹211.4 થઈ ગઈ છે, જે પાછલા વર્ષની સરખામણીમાં આશરે 8.4% નો વધારો દર્શાવે છે. આ સફળતા તેના ઝડપથી વિસ્તરતા 5G નેટવર્ક અને હોમ બ્રોડબેન્ડ કનેક્શનને કારણે છે.
સપ્ટેમ્બર 2025 સુધીમાં જિયોનો કુલ ગ્રાહક આધાર 506.4 મિલિયન સુધી પહોંચી ગયો છે. કંપનીએ ગયા વર્ષે 27.6 મિલિયન નવા વપરાશકર્તાઓ ઉમેર્યા છે. જિયોનો દાવો છે કે આ સફળતા તેના ઝડપથી વિસ્તરતા 5G નેટવર્ક, જિયોએરફાઇબર સેવાઓ અને સુધારેલા હોમ બ્રોડબેન્ડ કનેક્શનને કારણે છે. જિયોએ જણાવ્યું હતું કે તેની પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક (ARPU) સપ્ટેમ્બર 2024 માં ₹195.1 થી વધીને હવે ₹211.4 થઈ ગઈ છે. આ સૂચવે છે કે જિયો વપરાશકર્તાઓ હવે વધુ સમય ઓનલાઈન વિતાવી રહ્યા છે અને કંપનીની નવી સેવાઓને ઝડપથી અપનાવી રહ્યા છે.
આકાશ અંબાણીએ શું કહ્યું ?
જિયોના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, જિયોને નવ વર્ષમાં 500 મિલિયનથી વધુ ગ્રાહકોનો વિશ્વાસ મેળવવાનો ગર્વ છે. અમે સસ્તા અને ઝડપી કનેક્શન પૂરા પાડીને દરેક ભારતીયની ડિજિટલ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અમારો ડિજિટલ સેવાઓનો વ્યવસાય સતત વૃદ્ધિ પામી રહ્યો છે. જિયોના નેટવર્ક અને ટેકનોલોજી નેતૃત્વએ અમને દેશભરમાં નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યા છે.
કંપનીનો કુલ ડેટા ટ્રાફિક
ઓપરેશનલ ડેટા અનુસાર, કંપનીનો કુલ ડેટા ટ્રાફિક 29.8 ટકા વધીને 58 અબજ GB થયો છે. 5G વપરાશકર્તાઓ હવે તમામ વાયરલેસ ટ્રાફિકનો અડધો હિસ્સો ધરાવે છે. વોઇસ ટ્રાફિક પણ 5.6 ટકા વધીને 1.5 ટ્રિલિયન મિનિટ થયો છે. જિયોએ નાણાકીય મોરચે પણ મજબૂત પ્રદર્શન કર્યું. કંપનીનો EBITDA 17.7% વધીને ₹18,757 કરોડ થયો છે, જ્યારે કર પછીનો નફો (PAT) વધીને ₹7,379 કરોડ થયો છે. કંપનીનો EBITDA માર્જિન 51.6% હતો, જે જિયો માટે મજબૂત આવક અને નફાકારકતા દર્શાવે છે.