Last date to switch UPS to NPS: જો તમે સરકારી કર્મચારી છો અને યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) માંથી પાછા નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં જવા માંગો છો, તો તમારી પાસે હવે અંતિમ તક છે. સરકારે આ વિકલ્પ પસંદ કરવા માટે 30 સપ્ટેમ્બર 2025 ની સમયમર્યાદા નક્કી કરી છે. આ સમયમર્યાદા પછી, કોઈ પણ કર્મચારી પેન્શન યોજના બદલી શકશે નહીં. નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય એકવાર જ લઈ શકાશે અને તે ઉલટાવી શકાશે નહીં. જે કર્મચારીઓ સમયસર આ વિકલ્પ પસંદ નહીં કરે તેઓ આપોઆપ UPS હેઠળ રહેશે.

કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે લાવવામાં આવેલી નવી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) સંબંધિત એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ, કર્મચારીઓને નિવૃત્તિ પછી ખાતરીપૂર્વક પેન્શન મળશે. હવે, જે કર્મચારીઓ આ નવી યોજનાથી સંતુષ્ટ નથી અને જૂની નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં પાછા ફરવા માંગે છે, તેમને આ નિર્ણય લેવા માટે 30 સપ્ટેમ્બર, 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ તારીખ પછી કોઈ પણ સંજોગોમાં પેન્શન યોજના બદલી શકાશે નહીં.

UPS યોજના શું છે અને તેના નિયમો શું છે?

UPS યોજના 1 એપ્રિલ, 2025 થી અમલમાં આવી છે અને આ હેઠળ કર્મચારીને નિવૃત્તિ પહેલાના છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળ પગારના 50% જેટલું પેન્શન મળશે. આ યોજનામાં, જો કોઈ કર્મચારીએ 25 વર્ષ કામ કર્યું હોય, તો તેને સંપૂર્ણ પેન્શન મળશે. જો 10 થી 25 વર્ષ સુધી કામ કર્યું હોય, તો પણ ઓછું પેન્શન મળશે. UPS માંથી NPS માં સ્વિચ કરવા માટે કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે. આ વિકલ્પ માત્ર એક જ વાર પસંદ કરી શકાય છે અને એકવાર NPS માં ગયા પછી ફરીથી UPS માં પાછા આવી શકાશે નહીં. આ સુવિધાનો લાભ કર્મચારી નિવૃત્તિના એક વર્ષ પહેલા અથવા સ્વૈચ્છિક નિવૃત્તિના ત્રણ મહિના પહેલા લઈ શકે છે. જો કોઈ કર્મચારીને નિયમભંગ કે અન્ય કોઈ કારણસર ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી હોય, તો તે આ વિકલ્પનો લાભ લઈ શકશે નહીં.

કર્મચારીઓ અને રાજ્યો માટે ફાયદો

કેન્દ્ર સરકારની આ નવી યોજનાનો લાભ લગભગ 23 લાખ કેન્દ્રીય કર્મચારીઓને મળશે. આ સાથે, સરકારે કહ્યું છે કે જો રાજ્ય સરકારો પણ આ UPS યોજના અપનાવવા માંગે, તો તેઓ તેમ કરી શકે છે. જો રાજ્ય સરકારો પણ આ યોજનાનો અમલ કરે તો કુલ 90 લાખ જેટલા કર્મચારીઓને આનો સીધો લાભ મળી શકે છે. જો તમે હજુ સુધી કોઈ નિર્ણય ન લીધો હોય, તો 30 સપ્ટેમ્બર પહેલા તમામ વિકલ્પોનું ધ્યાનપૂર્વક મૂલ્યાંકન કરવું હિતાવહ છે.