હાલમાં કરદાતાઓ પાસે ITR ફાઇલિંગ માટે જૂની કર વ્યવસ્થા અને નવી કર વ્યવસ્થા બંનેનો વિકલ્પ છે. પરંતુ હવે જૂની કર વ્યવસ્થા હેઠળ ITR ફાઇલ કરવાનું મુશ્કેલ બની શકે છે. કારણ કે આવકવેરા વિભાગે જૂની કર વ્યવસ્થા હેઠળ ટેક્સ ફાઇલિંગ સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જો તમે ITR ફાઇલમાં કોઈ ભૂલ કરો છો તો તમારે 200 ટકા દંડ ચૂકવવો પડી શકે છે અને જેલ પણ થઈ શકે છે. ચાલો તમને આ વિગતો વિશે જણાવીએ.

શું ફેરફારો છે?

જેઓ જૂની કર વ્યવસ્થા હેઠળ ITR ફાઇલ કરવા માંગે છે. તેમને હવે વિવિધ કલમોનો લાભ મેળવવા માટે વધુ વિગતો અને દસ્તાવેજો પ્રદાન કરવાની જરૂર પડશે. આ ફેરફારો આવકવેરા દ્વારા ખાસ કરીને કલમ 80C, 80D, HRA, 80EE, 80EEB માં કરવામાં આવ્યા છે.

કલમ 80C

કલમ 80C હેઠળ જો કોઈ કરદાતા PPF, EPF, NSC, જીવન વીમા પર કર બચત મેળવવા માંગે છે તો હવે તેમણે વધુ વિગતો આપવી પડશે. આ વિગતોમાં રસીદ નંબર, પોલિસી અથવા ડોક્યુમેન્ટેશન આઇડી, ખાતાની વિગતો અને ચુકવણી કરનાર વ્યક્તિનું નામ જેવી વિગતો શામેલ છે.

કલમ 80D

કલમ 80D હેઠળ જો કરદાતા વીમા પ્રીમિયમ પર કર કપાતનો દાવો કરવા માંગે છે તો તેમણે વધુ વિગતો પણ આપવી પડશે. વીમા લેનારનું નામ, પોલિસી નંબર અથવા રસીદ નંબરનો પુરાવો આપવો પડશે. જો તમે બીજા કોઈ માટે વીમો લીધો હોય તો તેની સાથે શું સંબંધ છે, તે જણાવવું પડશે.

House Rent Allowance (HRA)

કલમ 10 (13A) હેઠળ જો કોઈ વ્યક્તિ ભાડું ચૂકવવા બદલ ટેક્સ ક્લેમ કરે છે તો તેણે પણ માહિતી આપવી પડશે. જેમ કે તમે ક્યાં કામ કરો છો, કઈ તારીખે HRA પ્રાપ્ત થયો છે અથવા કેટલું ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે. આમાં ભાડાની રસીદ અથવા મકાનમાલિકનું નામ અને PAN નંબર શામેલ છે (જો તમારું ભાડું 1 લાખથી વધુ હોય તો)

Section 80E/EEB

કલમ 80E હેઠળ જ્યારે તમે તમારા બાળક, પતિ કે પત્ની માટે હોમ લોન અથવા શિક્ષણ લોન લીધી હોય ત્યારે આ કલમનો ઉપયોગ આ લોનના વ્યાજ પર ટેક્સ સેવિંગ ક્લેમ કરવા માટે થાય છે. આ માટે તમારે લોન એકાઉન્ટ નંબર, ઇન્ટરેસ્ટ પેમેન્ટ સર્ટિફિકેટ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટીટ્યૂશનનું નામ અને તે વ્યક્તિનું નામ આપવું પડશે જેના માટે લોન લેવામાં આવી છે. કારણ કે હવે AIS સિસ્ટમથી તમામ ક્લેમની સિસ્ટમ તપાસ કરવામાં આવી રહી છે. તેથી ITR ફાઇલ કરતી વખતે બધા દસ્તાવેજો તૈયાર રાખો.