મે મહિનાના પ્રથમ દિવસે લોકોને સસ્તા ભાવની ભેટ મળી છે. વાસ્તવમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. 1 મેથી દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 14.50 રૂપિયા સસ્તો થયો છે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1851 રૂપિયા, મુંબઈમાં 1699 રૂપિયા અને ચેન્નઈમાં 1906 રૂપિયા થઈ ગઈ છે. આજથી 19 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં 14.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે 14 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત 853 રૂપિયા, કોલકાતામાં 879 રૂપિયા, મુંબઈમાં 852.50 રૂપિયા અને ચેન્નઈમાં 868.50 રૂપિયા છે. અગાઉ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 8 એપ્રિલે અપડેટ કરવામાં આવ્યા હતા. તે સમયે સરકારે 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો.
દેશભરમાં 32.9 કરોડ એલપીજી કનેક્શન છે, જેમાંથી 10.33 કરોડ કનેક્શન ઉજ્જવલા યોજના હેઠળ આવે છે. આ યોજના હેઠળ સરકાર ગરીબ પરિવારોને પ્રતિ સિલિન્ડર 300 રૂપિયા સુધીની સબસિડી આપે છે. આ વર્ષના બજેટમાં એટલે કે નાણાકીય વર્ષ 26ના બજેટમાં સરકારે LPG સબસિડી માટે 11,100 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
રેલવેમાં વેઇટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચમાં જ માન્ય છે
રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. હવે વેઇટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચમાં જ માન્ય રહેશે. મતલબ કે તમે વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર કોચમાં મુસાફરી કરી શકતા નથી. જો તમે મુસાફરી કરતા પકડાઓ છો તો ટીટી તમને જનરલ કોચમાં મોકલી શકે છે અથવા તમારા પર દંડ લાદી શકે છે.
અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો
અમૂલે દૂધના ભાવ વધારવાની જાહેરાત કરી છે. અમૂલ દૂધ ઉત્પાદનોના નવા દર આજે સવારથી એટલે કે 1 મેથી અમલમાં આવશે. અમૂલે જણાવ્યું હતું કે દેશભરમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ATM માંથી પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ લાગશે
મેટ્રો શહેરોમાં તમે દર મહિને 3 મફત ATM ટ્રાન્જેક્શન કરી શકશો. નોન-મેટ્રો શહેરોમાં તમે પાંચ વખત ટ્રાન્જેક્શન શકો છો. મફત મર્યાદા પછી બેન્કો પ્રતિ ટ્રાન્જેક્શન 23 રૂપિયા સુધી ચાર્જ કરી શકે છે. જો કોઈ ગ્રાહક ATM પર ખાતાનું બેલેન્સ ચેક કરે છે તો તેને 7 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે, જે પહેલા 6 રૂપિયા હતો.