Mahila Samman Savings Certificate: 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓ માટે નવી યોજના મહિલા સન્માન બચત પત્ર યોજના (Mahila Samman Saving Certificate)ની જાહેરાત કરી હતી. આ યોજના નવા નાણાકીય વર્ષથી શરૂ થવાની હતી. આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે, એટલે કે હવે મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે. ચાલો તમને જણાવીએ કે મહિલા સન્માન બચત પત્ર યોજના મહિલાઓ માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.


નાણા મંત્રાલયે, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, 2023 માટે નોટિફિકેશન બહાર પાડતા તેને તાત્કાલિક અસરથી 1.59 લાખ પોસ્ટ ઓફિસોમાં ઉપલબ્ધ કરાવી છે.


મહિલા સન્માન બચત પત્ર યોજના એક વખતની રોકાણ યોજના છે. પરંતુ તેના પર મળતા વ્યાજે આ યોજનાને આકર્ષક બનાવી છે. MSSCમાં મહિલાઓને 7.5 ટકાના દરે વ્યાજ મળશે. આ સ્કીમ ફિક્સ ડિપોઝિટ સ્કીમ જેવી છે. કોઈપણ વયની છોકરી કે મહિલા આમાં રોકાણ કરી શકે છે. જોકે રોકાણની મર્યાદા માત્ર રૂ. 2 લાખ છે, એટલે કે મહિલાઓ આ યોજનામાં રૂ. 2 લાખથી વધુનું રોકાણ કરી શકશે નહીં.


પોસ્ટ ઓફિસ FD કરતાં વધુ સારો વિકલ્પ


હાલમાં, પોસ્ટ ઓફિસમાં પાંચ વર્ષની FD પર 7 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે, જ્યારે બે વર્ષની FD પર 6.8 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આવી સ્થિતિમાં, મહિલા સન્માન બચત પત્ર યોજના વધુ નફાકારક સોદો છે. તે બે વર્ષમાં 7.5 ટકા સુધી વ્યાજ આપી રહી છે. આ સિવાય બીજો ફાયદો એ છે કે તમને ફિક્સ્ડ ડિપોઝિટમાં આંશિક ઉપાડની સુવિધા મળતી નથી, પરંતુ મહિલાઓને આ વિકલ્પ મહિલા સન્માન બચત પત્રમાં મળશે.


આ તેના ફાયદા છે


જો કે એમએસએસસીના ફાયદાની સાથે કેટલીક ખામીઓ પણ છે, જેમ કે- આ સ્કીમમાં વ્યાજ સારું છે, પરંતુ રોકાણની રકમની મર્યાદા 2 લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે, એટલે કે જો કોઈ મહિલા તેમાં વધુ પૈસા રોકવા માંગે છે તો રોકાણ કરી શકતી નથી. આ સિવાય આ બે વર્ષની સેવિંગ સ્કીમ હશે, જેનો લાભ 2025 સુધી લઈ શકાય છે, એટલે કે તમે આ સ્કીમમાં 2025 સુધી જ રોકાણ કરી શકો છો. આ સિવાય આના પર મળનારું વ્યાજ કરમુક્ત હશે કે નહીં, તે હજુ સંપૂર્ણ સ્પષ્ટ નથી.