Meta layoffs: નામ બદલાયા બાદ મુશ્કેલીમાં મુકાયેલ મેટા પ્લેટફોર્મ (ફેસબુક) પ્રથમ વખત તેના સ્ટાફની છટણી કરવા જઈ રહ્યું છે. 4 ફેબ્રુઆરી, 2004ના રોજ સ્થપાયેલી સોશિયલ મીડિયા કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે તે કંપની પ્રથમ વખત ભરતી પર કામચલાઉ ધોરણે અટકાવી રહી છે અને સાથે જ ટીમોના બજેટમાં પણ ઘટાડો કરવામાં આવી રહ્યો છે.


METAનું હાલમાં જે કદ છે તે 2023માં ઘટાડીને નાનું કરી શકાય છે. META ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઝકરબર્ગે કર્મચારીઓ સાથે સાપ્તાહિક પ્રશ્ન અને જવાબ સત્ર દરમિયાન આ જાહેરાત કરી હતી.


ઝુકરબર્ગે કહ્યું, 'મને આશા હતી કે અત્યાર સુધીમાં અર્થવ્યવસ્થા વધુ સ્પષ્ટ રીતે સ્થિર થઈ જશે. પરંતુ આપણે જે જોઈ રહ્યા છીએ તે હજુ લાગતું નથી. તેથી જ અમને આ અભિગમ અપનાવવાની ફરજ પડી છે.’


કંપનીએ સ્વીકાર્યું કે જાહેરાતની વૃદ્ધિ ધીમી પડી રહી છે


વિશ્લેષકો કહે છે કે ખર્ચમાં ઘટાડો અને હાયરિંગ ફ્રીઝ સૂચવે છે કે મેટાએ માન્ય કર્યું છે કે વપરાશકર્તાનું ધ્યાન આકર્ષિત કરવા માટે વધતી સ્પર્ધા વચ્ચે તેની જાહેરાત વૃદ્ધિ ધીમી પડી રહી છે.


અમીરોની યાદીમાં ઝકરબર્ગ 23માં નંબરે સરકી ગયો છે


માર્ક ઝકરબર્ગની સંપત્તિ પણ લગભગ અડધી થઈ ગઈ છે. એટલું જ નહીં, લાંબા સમયથી વિશ્વના અમીરોની ટોપ-3 યાદીમાં સામેલ ઝકરબર્ગ હવે 23માં નંબરે સરકી ગયો છે. 2014 પછી ઝકરબર્ગનું આ સૌથી નીચું સ્થાન છે.


ઝકરબર્ગની નેટવર્થમાં આ વર્ષે 6.09 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે


બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ $50.9 બિલિયન અથવા રૂ. 4.15 લાખ કરોડ છે. આ વર્ષે તેની નેટવર્થમાં $74.6 બિલિયન અથવા રૂ. 6.09 લાખ કરોડનો ઘટાડો થયો છે. વૈશ્વિક અબજોપતિઓની યાદીમાં આ વર્ષે માર્ક ઝકરબર્ગની નેટવર્થમાં સૌથી વધુ ઘટાડો થયો છે.


સપ્ટેમ્બર 2021 માં, ઝકરબર્ગની નેટવર્થ $142 બિલિયન, અથવા લગભગ રૂ. 11.32 લાખ કરોડ સુધી પહોંચી. ત્યારબાદ તેમની કંપની મેટાના શેર પણ $382 એટલે કે 30,459 રૂપિયા સુધી પહોંચી ગયા હતા. હવે મેટાનો સ્ટોક ઘટીને $135.68 એટલે કે 11,076 રૂપિયા પર આવી ગયો છે.


2 વર્ષ પહેલા ઝકરબર્ગની સંપત્તિ 8.45 લાખ કરોડ રૂપિયા હતી


2 વર્ષ કરતા પણ ઓછા સમય પહેલા 38 વર્ષીય માર્ક ઝકરબર્ગની કુલ સંપત્તિ 106 બિલિયન ડોલર અથવા 8.45 લાખ કરોડ રૂપિયા હતી. તે પછી વૈશ્વિક અબજોપતિઓની યાદીમાં ઝકરબર્ગ કરતાં ફક્ત જેફ બેઝોસ અને બિલ ગેટ્સ આગળ હતા.


મેટા વૈશ્વિક બજારમાં પગ જમાવવા માટે સંઘર્ષ કરી રહી છે


સપ્ટેમ્બર 2021 માં, ઝકરબર્ગે Meta શરૂ કર્યું અને Facebook Incનું નામ બદલીને Meta Platforms કર્યું. ત્યારથી કંપનીનો ખરાબ તબક્કો શરૂ થયો અને ત્યારથી બજારમાં કંપનીનું ખરાબ પ્રદર્શન ચાલુ રહ્યું. વર્તમાન યુગમાં આ કંપની વૈશ્વિક બજારમાં પોતાનો પગ જમાવવા માટે સંઘર્ષ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.