એક વ્યક્તિને તેની માતાના કારણે ત્રણ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ વ્યક્તિએ પોતાની ઓળખ છુપાવીને સોશિયલ મીડિયા પર સમગ્ર ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો છે. 25 વર્ષીય વ્યક્તિએ કહ્યું, તેની માતાએ કરેલી ભૂલના કારણે તેનું જીવન બરબાદ થઈ ગયું છે. ધ સનના રિપોર્ટ પ્રમાણે, આ વ્યક્તિએ 2010માં 6 હજાર રૂપિયામાં 10 હજાર બિટકોઇન ખરીદ્યા હતા. જેની કિંમત આજે 3000 કરોડ રૂપિયા છે. આ વ્યક્તિ તે સમયે કોલેજમાં ભણતો હતો. થોડા સમય બાદ નોકરી કરવા જતો રહ્યો હતો અને બિટકોઈન ખરીદ્યા હતા તે ભૂલી ગયો હતો.


તેણે કહ્યું, મેં મારી મમ્મીની ભૂલના કારણે 3000 કરોડ રુપિયાના બિટ કોઈન ગુમાવી દીધા છે. મારી મમ્મીએ મારુ તુટેલુ લેપટોપ ફેંકી દીધુ હતુ અ્ને તેમાં મારા 10000 બિટ કોઈન સ્ટોર હતા.આ બિટ કોઈન મેં ખાલી અખતરો કરવા માટે 2010માં ખરીદયા હતા.પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે આ વ્યકિતએ સોશિયલ મીડિયા સાઈટ રેડ ઈટ પર લખ્યુ હતુ કે, મને બિટ કોઈન ખરીદવાની સલાહ મારા મિત્રોએ આપી હતી અને તે વખતે તેની કિંમત 80 ડોલર જ હતી.


તેણે આગળ લખ્યુ કે, હું તો ગ્રેજ્યુએશન પુરુ કર્યા બાદ મારી કેરિયર બનાવવામાં વ્યસ્ત થઈ ગયો હતો અને બિટકોઈન અંગે ભુલી ગયો હતો.વર્ષો બાદ જ્યારે બિટકોઈન ચર્ચામાં આવ્યા ત્યારે મને યાદ આવ્યુ હતુ કે, મેં કેટલાક બિટકોઈન ખરીદયા હતા.જોકે ઘરે જઈને મેં મારુ જુનુ લેપટોપ શોધવાનો પ્રયત્ન કર્યો ત્યારે લેપટોપ મળ્યુ નહોતુ.મારી માતાએ આ લેપટોપ ભંગાર સમજીને ફેંકી દીધુ હતુ.આ વાત જ્યારે મને ખબર પડી ત્યારે હું લગભગ બેહોશ થઈ ગયો હતો.


ડિપ્રેશનમાં જતો રહ્યો હતો આ વ્યક્તિ


તેણે વધુમાં કહ્યુ હતુ કે, હું મારી મમ્મીથી નારાજ થઈ ગયો હતો .હજારો કરોડોના બિટકોઈન ગુમાવ્યા હોવાના કારણે હું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. હજી પણ હું માનસિક રીતે તુટી ગયેલી હાલતમાં છું.મારા માતા પિતા સાથે જ હું રહું છુ અને નોકરી કરુ છું પણ મારુ જીવન પહેલા જેવું રહ્યું નથી. મારા હાથમાં આવેલી આટલી મોટી રકમ જતી રહી તેનો મને આજીવન અફસોસ રહેશે. ઉલ્લેખનીય છે કે બિટકોઈન એક વર્ચુઅલ કરન્સી છે. વર્ષ 2009માં તેની શરૂઆત થઈ હતી.