Motor Insurance Premium Hike: જો તમારી પાસે વાહન છે તો તમારા ખર્ચમાં વધારો થવા જઈ રહ્યો છે કારણ કે 1 જૂનથી થર્ડ પાર્ટી મોટર ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ વધવા જઈ રહ્યું છે. સરકારે આ અંગે નોટિફિકેશન મોકલી આપ્યું છે.


થર્ડ પાર્ટી મોટર વીમો કેમ મોંઘો થશે?


માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે બુધવારે વિવિધ કેટેગરીના વાહનો માટે થર્ડ પાર્ટી મોટર વાહન વીમાના પ્રીમિયમમાં વધારો કર્યો છે, જે 1 જૂનથી લાગુ થશે. જેના કારણે કાર અને ટુ વ્હીલરનો વીમો મોંઘો થવાનો છે.


1 જૂનથી 'થર્ડ પાર્ટી' મોટર વીમાના પ્રીમિયમમાં વધારો થશે


માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આ સંબંધિત સૂચના મોકલવામાં આવી છે. નોટિફિકેશનમાં સંશોધિત દર અનુસાર, 1000 સીસી એન્જિન ક્ષમતાવાળી ખાનગી કાર માટે પ્રીમિયમ 2072 રૂપિયાની સરખામણીએ હવે 2094 રૂપિયા થશે. વર્ષ 2019-20 મુજબ 2072 રૂપિયાનો પ્રીમિયમ દર હતો.


જાણો તમારું કાર વીમા પ્રીમિયમ કેટલું વધશે


1000 થી 1500 સીસી એન્જિનવાળી ખાનગી કાર માટે હવે પ્રીમિયમ 3221 રૂપિયાને બદલે 3416 રૂપિયા રહેશે.


જો કે, 1500 સીસીથી વધુની ખાનગી કાર માટે થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં નજીવો ઘટાડો કરવામાં આવ્યો છે અને તે રૂ. 7897 થી ઘટીને રૂ. 7890 થશે.


એ જ રીતે, 150 થી 350 સીસી સુધીના દ્વિચક્રી વાહનોનું પ્રીમિયમ 1366 રૂપિયા હશે.


જ્યારે 350 સીસીથી વધુના ટુ વ્હીલર માટે આ રેટ 2804 રૂપિયા હશે.


ટુ વ્હીલર માટે પાંચ વર્ષનું પ્રીમિયમ


પાંચ વર્ષનું સિંગલ પ્રીમિયમ 75 સીસીથી ઓછી એન્જિન ક્ષમતા ધરાવતી બાઈક માટે રૂ. 2,901 નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે 75 સીસી અને 150 સીસી વચ્ચેની બાઇક માટે પાંચ વર્ષનું સિંગલ પ્રીમિયમ હવે રૂ. 3,851 રહેશે. એ જ રીતે, 150 સીસીથી વધુ અને 350 સીસીથી ઓછા દ્વિચક્રી વાહનો માટે 7,365 રૂપિયાનું પ્રીમિયમ લેવામાં આવશે, જ્યારે 350 સીસીથી વધુના દ્વિચક્રી વાહનો માટે 15,117 રૂપિયા વસૂલવામાં આવશે.


ઇ-કાર પર કેટલું પ્રીમિયમ


સરકારે ખાનગી ઈ-કાર માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પણ નક્કી કર્યું છે. હવે 30 kW સુધીની ક્ષમતા ધરાવતી ઈ-કાર માટે ત્રણ વર્ષનું પ્રીમિયમ 5,543 રૂપિયા હશે. તેવી જ રીતે, 30 kW અને 65 kW વચ્ચેની ઈ-કાર માટે ત્રણ વર્ષનું પ્રીમિયમ 9,044 રૂપિયા વસૂલવામાં આવશે. 65 kW થી વધુની ક્ષમતા ધરાવતી ઈ-કાર માટે હવે ત્રણ વર્ષનું પ્રીમિયમ 20,907 રૂપિયા વસૂલવામાં આવશે.