RBI Scam: દેશભરમાં સાયબર ગુનેગારોએ હવે ઠગાઈની એક નવી અને ખતરનાક પદ્ધતિ અપનાવી છે. લોકોના મોબાઈલ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નામે નકલી વોઇસમેઇલ અથવા ઓટોમેટેડ કોલ્સ મોકલવામાં આવી રહ્યા છે. આ કોલમાં દાવો કરવામાં આવે છે કે તમારા ક્રેડિટ કાર્ડ પર શંકાસ્પદ વ્યવહારો થયા છે અને જો તાત્કાલિક પગલાં નહીં લો તો તમારું બેંક ખાતું બ્લોક થઈ જશે. જોકે, સરકારની ફેક્ટ-ચેકિંગ એજન્સી PIB એ સ્પષ્ટતા કરી છે કે આ એક કૌભાંડ છે. સાયબર ગઠિયાઓનો એકમાત્ર ઉદ્દેશ્ય ડર બતાવીને તમારી બેંકિંગ વિગતો ચોરવાનો છે.

Continues below advertisement

કેવી રીતે ફેલાવવામાં આવી રહી છે જાળ?

આ કૌભાંડની શરૂઆત એક વોઇસમેઇલ અથવા રેકોર્ડેડ કોલથી થાય છે. તેમાં ગ્રાહકને ડરાવવા માટે કહેવામાં આવે છે કે, "તમારા ક્રેડિટ કાર્ડ અથવા બેંક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન નોંધાયું છે." આ મેસેજ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો હોય છે કે સાંભળનાર ગભરાઈ જાય અને તાત્કાલિક પ્રતિક્રિયા આપે. ગભરાટમાં આવીને લોકો સામેવાળી વ્યક્તિ (જે ઠગ હોય છે) ને પોતાના કાર્ડ નંબર, પિન, CVV કે OTP આપી દે છે, અને ગણતરીની મિનિટોમાં જ તેમની મહેનતની કમાણી ધોવાઈ જાય છે.

Continues below advertisement

RBI નો નિયમ શું કહે છે?

PIB ફેક્ટ ચેકે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, RBI ક્યારેય કોઈ પણ ગ્રાહકને સીધો સંપર્ક કરતી નથી. રિઝર્વ બેંક ક્યારેય વોઇસમેઇલ દ્વારા ચેતવણી આપતી નથી કે ફોન પર તમારી વ્યક્તિગત બેંકિંગ વિગતો માંગતી નથી. જો કોઈ કોલર દાવો કરે કે તે RBI માંથી બોલે છે અને તમને વેરિફિકેશન માટે માહિતી આપવા દબાણ કરે, તો સમજી લેવું કે તે ફ્રોડ છે.

ટેકનિકલ ચાલાકી: નંબર સ્પૂફિંગ

આ કૌભાંડમાં ઠગાઈ કરનારાઓ 'કોલ સ્પૂફિંગ' (Call Spoofing) ટેકનિકનો ઉપયોગ કરે છે. જેના કારણે તમારા ફોનની સ્ક્રીન પર દેખાતો નંબર કોઈ બેંક અથવા સરકારી એજન્સીનો હોય તેવો ભાસ થાય છે. આ જોઈને લોકોને વિશ્વાસ આવી જાય છે કે કોલ સાચો છે. એકવાર તમે કોલ બેક કરો અથવા આઈવીઆર (IVR) માં માહિતી નાખો, એટલે તમારો ડેટા ચોરાઈ જાય છે.

છેતરપિંડીથી બચવાના રામબાણ ઉપાયો

તમારી સુરક્ષા તમારી સતર્કતામાં જ છે. આ સ્કેમથી બચવા નીચે મુજબની સાવચેતી રાખો:

અજાણ્યા કોલ પર અવિશ્વાસ: RBI, બેંક કે સરકારના નામે આવતા કોઈ પણ ધમકીભર્યા કોલ કે વોઇસમેઇલ પર ભરોસો ન કરો.

માહિતી ન આપો: ફોન પર કે SMS દ્વારા ક્યારેય પણ તમારો OTP, પાસવર્ડ કે પિન શેર કરશો નહીં.

ઓફિશિયલ સંપર્ક: જો તમને એકાઉન્ટ બ્લોક થવાનો ડર લાગે, તો કોલ કટ કરો અને તમારી બેંકના સત્તાવાર કસ્ટમર કેર નંબર પર સામેથી ફોન કરીને ખરાઈ કરો.

એલર્ટ્સ ચાલુ રાખો: તમારા બેંક એકાઉન્ટના SMS અને ઈમેઈલ એલર્ટ્સ હંમેશા એક્ટિવ રાખો.

શંકાસ્પદ મેસેજની જાણ ક્યાં કરવી?

જો તમારી પાસે આવો કોઈ શંકાસ્પદ મેસેજ કે કોલ આવે, તો તમે તેની સત્યતા તપાસવા માટે PIB ફેક્ટ ચેકનો સંપર્ક કરી શકો છો.

WhatsApp નંબર: +91 8799711259

ઈમેલ: factcheck@pib.gov.in