નવી દિલ્હીઃ સતત ત્રણ મહિના સુધી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયા બાદ જૂનમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની આઈઓસીએ આ વાતની જાહેરાત કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર એલપીજીના ભાવમાં વધારા બાદ કંપનીએ આ ફેંસલો લીધો છે. નવા ભાવ આજથી જ લાગુ થઈ ગયા છે.


ઈન્ડિયન ઓઇલે જાહેરાત કરી કે, આંતરરાષ્ટ્રીય કિંમતમાં વધારાના કારણે દિલ્હીમાં એલપીજીના રિટેલ ભાવમાં 11.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 14.2 કિલોગ્રામના સબસિડી વગરના રાંધણ ગેસ માટે કરવામાં આવ્યો છે. જે બાદ દિલ્હીમાં સબ્સિડી વગરના ગેસના બાટલાનો ભાવ 581.50 રૂપિયાથી વધીને 593 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સબ્સિડીવાળા રાંધણ ગેસનો ભાવ 579 રૂપિયા પ્રતિ સિલિન્ડરથી વધીને 590.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. દેશમાં સબ્સિડી વગરના રાંધણ ગેસના ભાવમાં સૌથી મોટો વધારે ચેન્નઈમાં થયો છે. ચેન્નઈમાં 569.50 રૂપિયામાં મળતા ગેસના બાટલાનો ભાવ આજથી 606.50 રૂપિયા થઈ ગયો છે. ચેન્નઈમાં સિલિન્ડરના ભાવમાં 37 રૂપિયાનો વધારો થયો છે. કોલકાતામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 31.5 રૂપિયાનો વધારો થયો છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી પર રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો લાગુ નહીં થાય. PMUYના લાભાર્થીને 30 જૂન સુધી ફ્રી સિલિન્ડર મળતો રહેશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉજ્જવલા યોજનાના લાભાર્થીને ત્રણ મહિના સુધી ફ્રી રસોઈ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી.