નવી દિલ્હીઃ દેશમાં ફીચર ફોન ધરાવતા મોબાઈલ ગ્રાહકો માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં ફીચર ફોન માટે UPI આધારિત પેમેન્ટ પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે  કહ્યું દેશમાં તમામ પાસે સ્માર્ટફોન નથી. હાલ દેશમાં 118 કરોડથી વધારે મોબાઇલ ફોનનો ઉપયોગ થઈ રહ્યો છે, જેમાંથી 78 કરોડ લોકો પાસ સ્માર્ટ ફોન છે એટલે કે મોટાભાગના લોકો પાસે ફીચર ફોન છે. આવા લોકો યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકતા નથી. તેને જોતાં યુપીઆઈ પેમેંટ પ્રોડક્ટ લોંચ કરવાનો નિર્ણય લેવાયો છે.  આમ કરવાથી તમામ મોબાઇલ ગ્રાહકો યૂપીઆઈ પેમેંટ કરી શકશે.


દેશમાં હાલમાં ફીચર ફોન્સ (નોન-સ્માર્ટફોન) માટે કોઈ UPI-આધારિત પેમેન્ટ એપ નથી જેથી આ ફોન ધરાવતા મોબાઈલ ગ્રાહકો તેમના ફીચર ફોનમાંથી UPI વ્યવહારો કરી શકશે. જો કે, હાલમાં, ઇન્ટરનેટ વિના મોબાઇલ ફોન પર વપરાશકર્તાઓ NUUP (નેશનલ યુનિફાઇડ યુએસએસડી પ્લેટફોર્મ) દ્વારા UPI વ્યવહારો કરી શકે છે. આ સિસ્ટમમાં *99# ડાયલ કરીને, વપરાશકર્તા ઇન્ટરેક્ટિવ મેનૂ દ્વારા વ્યવહારો કરી શકે છે. જો કે આ સિસ્ટમ વેગ પકડી શકી નથી.


ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન


RBI ફીચર ફોન માટે નવી UPI આધારિત પેમેન્ટ પ્રોડક્ટ્સ લોન્ચ કરવા જઈ રહી છે, જેથી દેશના મોટા વર્ગની જેમની પાસે સ્માર્ટ ફોન નથી તેઓ પણ સરળતાથી UPI ટ્રાન્ઝેક્શન કરી શકશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે RBIના આ પગલાથી દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. આ ઉપરાંત તેનાથી ઘણા પ્રકારના રોકાણ અને UPI ચુકવણી કરવામાં મદદ કરશે.


નાની કિંમતના UPI Payment માટે on-device wallet


RBI નાની કિંમતની UPI ચૂકવણીની સુવિધા આપવા માટે ઓન-ડિવાઈસ વોલેટ લાવશે. RBI અનુસાર, દેશમાં 50 ટકાથી વધુ UPI પેમેન્ટ્સ રૂ. 200થી ઓછી રકમના હોય છે. આ ચૂકવણી કરવા માટે ઘણા સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે ઘણી વખત વ્યવહાર પૂર્ણ થતો નથી. નાની કિંમતની UPI ચૂકવણીને સરળ બનાવવા માટે ઓન-ડિવાઈસ વોલેટ રજૂ કરવામાં આવશે. જો કે, આ UPI પેમેન્ટ પ્રોજેક્ટ્સ શરૂ કરવાની સમયમર્યાદા આપવામાં આવી નથી.