PAN-Aadhaar Linking: આજનો દિવસ તમામ કરદાતાઓ માટે મહત્વપૂર્ણ છે. હાલમાં ઘણા કરદાતાઓ વધારાનો TDS કાપવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવા કરદાતાઓ માટે વધુ TDS ન કપાય તે માટે આજે છેલ્લી તક છે. આવકવેરા વિભાગે આ માટે કરદાતાઓને પણ એલર્ટ કરી દીધા છે.






આધાર સાથે લિંક કરવું ફરજિયાત


આવકવેરા વિભાગે પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ માટેની અંતિમ તારીખ 31 મે 2024 છે. જેમણે પોતાના PAN ને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેઓને વધુ TDS ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. આવી સ્થિતિમાં કરદાતાઓને વધુ TDS ન ચૂકવવું પડે તે માટેની આજે છેલ્લી તક છે.


વિભાગે કરદાતાઓને એલર્ટ કર્યા


આવકવેરા વિભાગે પણ 2 દિવસ પહેલા કરદાતાઓને આ અંગે એલર્ટ કરી દીધા હતા. વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું હતું કે બધા કરદાતાઓ ધ્યાન આપો. 31 મે 2024 પહેલા તમારા PAN ને આધાર સાથે લિંક કરો. તમારા PAN ને આધાર સાથે લિંક કરવાથી એવી ખાતરી મળે છે કે તમારે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 206 AA અને 206 CC હેઠળ વધુ TDS કપાતનો સામનો કરવો પડશે નહી.


જો તમે પાન અને આધાર લિંક નહી કરો તો આ નુકસાન થશે


જો કોઈ કરદાતા 31 મે, 2024 સુધીમાં તેના PAN ને આધાર સાથે લિંક નહીં કરે તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સૌથી વધુ નાણાકીય નુકસાન TDS કપાતને કારણે થાય છે. આવા કરદાતાઓએ દરેક ટ્રાન્જેક્શન પર વધુ TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) અને TCS (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ) ચૂકવવો પડશે. આવકવેરા વિભાગનું કહેવું છે કે આ પગલું અનુપાલનને પ્રોત્સાહન આપવા અને ટેક્સ એડમિનિસ્ટ્રેશનને વ્યવસ્થિત કરવા માટે છે.


PAN ને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા


-સૌ પ્રથમ આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ https://incometaxindiaefiling.gov.in પર જાવ.


- સર્વિસિઝ મેન્યૂ પર જઇને PAN-Aadhaar લિંક સિલેક્ટ કરો.


-PAN અને આધારની વિગતો દાખલ કરો


-કેપ્ચા અથવા OTP વડે વેરિફાઇ કરો.


-એકવાર વેરિફિકેશન થયા પછી PAN અને આધાર લિંક થઈ જશે.