Paytm Share Price Today: પેમેન્ટ કંપની Paytmના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન, સોમવારે, કંપનીએ સ્ટોક એક્સચેન્જને માહિતી આપી છે કે Paytm એ તેના કર્મચારીઓને 39.7 લાખ શેરનું વિતરણ કર્યું છે. કંપનીએ કર્મચારી સ્ટોક ઓપ્શન સ્કીમ 2019 (Esop 2019)ના નિયમો હેઠળ આ શેરનું વિતરણ કર્યું છે.


કંપનીએ એક્સચેન્જને જણાવ્યું કે Paytm એ આ શેર તેના કર્મચારીઓને 9 રૂપિયામાં આપ્યા છે. સોમવારે, ટ્રેડિંગના છેલ્લા કલાકમાં એટલે કે બપોરે 3.12 વાગ્યાની આસપાસ, Paytmના શેર 1.88% એટલે કે 10.65 રૂપિયા ઘટીને રૂ. 556.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, મંગળવારે આ સમાચાર લખાય છે ત્યાં સુધી તે રૂ. 8.15 (1.47%)ના વધારા સાથે 564.35 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.


સતત ઘટાડો


લિસ્ટિંગ બાદ Paytmના શેર સતત ઘટી રહ્યા છે. કંપનીના શેર નવેમ્બર 2021માં 2150 રૂપિયામાં લિસ્ટ થયા હતા. અને હવે તેઓ લિસ્ટિંગ કિંમત કરતાં 74% નીચે ટ્રેડિંગ કરી રહ્યાં છે.


નવા શેરો ઉપરાંત, Paytm એ તેના કર્મચારીઓને 1,77,114 ઇક્વિટી શેર ફાળવ્યા હતા. જોકે, કંપનીએ એ નથી જણાવ્યું કે આ શેર કોને આપવામાં આવ્યા છે.


સ્ટોક એક્સચેન્જ આપી માહિતી


Paytm એ એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું કે નવા શેરની ફાળવણી બાદ કંપનીની પેઈડ-અપ ઈક્વિટી શેર મૂડી 64,85,67,292 થી વધીને 64,87,44,406 થઈ ગઈ છે. ગયા વર્ષે નવેમ્બરમાં શેરના લિસ્ટિંગ પહેલા, Paytm એ તેના 166 કર્મચારીઓને Esops જારી કર્યા હતા. બાદમાં તે કંપનીના શેરમાં ફેરવાઈ ગયા હતા.


તે દરમિયાન, કંપનીના પ્રમુખ અમિત નાયર પણ તે લોકોમાં હતા જેમને કંપનીના શેર આપવામાં આવ્યા હતા. તે કંપનીના નાણાકીય સેવા વિભાગની સંભાળતા હતા. નાયરે જૂન 2021માં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. વરિષ્ઠ કર્મચારીઓને કુલ મળીને 10 લાખ Esops જારી કરવામાં આવ્યા છે.


આટલા શેર આપવામાં આવ્યા છે


કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ શેર 9 રૂપિયાના ભાવે આપવામાં આવ્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, Paytm એ તેની Esops 2.40 કરોડથી વધારીને 6.1 કરોડ કરી હતી. ઉપરાંત, ગયા વર્ષે કંપનીના શેરના લિસ્ટિંગ પહેલા, લગભગ 1000 કર્મચારીઓએ 1.40 કરોડ Esops હેઠળ શેર લીધા હતા.