PF withdrawal via UPI: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ટૂંક સમયમાં તેના સભ્યો માટે પીએફ ઉપાડવાની પ્રક્રિયામાં મોટો બદલાવ લાવવા જઈ રહ્યું છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે હવે EPFO 3.0 હેઠળ કર્મચારીઓ સીધા ATMમાંથી તેમના ભવિષ્ય નિધિના પૈસા ઉપાડી શકશે. આ સાથે જ, UPI એટલે કે PhonePe, Google Pay, Paytm અને BHIM જેવી લોકપ્રિય એપ્સ દ્વારા પણ પીએફ ઉપાડવાની સુવિધા ઉપલબ્ધ થશે.


હાલમાં પીએફ ઉપાડવા માટે લાંબી પ્રક્રિયાઓ અને ઓફિસની મુલાકાતો લેવી પડે છે, સાથે જ એમ્પ્લોયરની મંજૂરીની પણ જરૂર પડે છે. પરંતુ હવે આ નવી સુવિધા બાદ પીએફ ઉપાડવું એટલું જ સરળ બની જશે જેટલું બેંકમાંથી પૈસા ઉપાડવા. EPFO તેની સિસ્ટમને અપગ્રેડ કરી રહ્યું છે, જેનાથી કર્મચારીઓ પોતાની જરૂરિયાત મુજબ ગમે ત્યારે ATMમાંથી પૈસા કાઢી શકશે. મંત્રી માંડવિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ કર્મચારીઓના પોતાના પૈસા છે અને તેઓ જ્યારે ઇચ્છે ત્યારે તેને ઉપાડી શકવા જોઈએ.


ATMમાંથી કેવી રીતે ઉપાડી શકાશે PF?


EPFO દ્વારા શરૂ કરવામાં આવનારી આ નવી સુવિધા હેઠળ, દરેક કર્મચારીનું પીએફ એકાઉન્ટ ATM-સપોર્ટેડ સિસ્ટમ સાથે લિંક કરવામાં આવશે. પૈસા ઉપાડવા માટે, કર્મચારીઓએ પોતાના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) અથવા લિંક કરેલા બેંક એકાઉન્ટ દ્વારા ઓળખ ચકાસવી પડશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને OTP વેરિફિકેશન જેવી મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન પ્રક્રિયા પણ અમલમાં મૂકવામાં આવશે.


UPI થી પણ થશે પીએફ ઉપાડ


ATMની સાથે સાથે EPFO યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા પણ પીએફ ઉપાડવાની સુવિધા આપવા માટે તૈયાર છે. આનો સીધો અર્થ એ છે કે હવે કર્મચારીઓ PhonePe, Google Pay, Paytm અને BHIM જેવી એપ્સનો ઉપયોગ કરીને ગણતરીની સેકન્ડોમાં પોતાના પીએફના પૈસા ટ્રાન્સફર કરી શકશે. હાલમાં NEFT અથવા RTGS દ્વારા પીએફ ઉપાડવામાં 2-3 દિવસનો સમય લાગે છે, જે UPI દ્વારા તુરંત જ થઈ જશે.


EPFO લાવશે PF ATM કાર્ડ


EPFO પોતાના ગ્રાહકો માટે ટૂંક સમયમાં એક વિશેષ PF ATM કાર્ડ પણ લાવશે. આ કાર્ડની મદદથી કર્મચારીઓ કોઈપણ ATM પરથી પોતાના પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકશે. જો કે, આ સુવિધા કયા ATM નેટવર્ક પર ઉપલબ્ધ થશે તેની માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ EPFO એ ખાતરી આપી છે કે આ પ્રક્રિયાને સરળ અને ઉપયોગમાં આસાન બનાવવામાં આવશે.


EPFO 3.0 ની રજૂઆત સાથે જ પીએફ ઉપાડવાની સમગ્ર પ્રક્રિયા ડિજિટલ અને તાત્કાલિક બની જશે. આ સુવિધાનો લાભ લાખો કર્મચારીઓને મળશે, ખાસ કરીને જ્યારે તેમને તાત્કાલિક પૈસાની જરૂર હોય. સરકાર ટૂંક સમયમાં આ સુવિધાની શરૂઆતની તારીખ અને તેની સંપૂર્ણ પ્રક્રિયા વિશે સત્તાવાર માહિતી જાહેર કરશે. આ બદલાવથી પીએફ ઉપાડવું પહેલા કરતા ઘણું સરળ બનશે તે નિશ્ચિત છે.