PM Modi fake investment video: કહેવત છે ને કે 'લોભે લક્ષણ જાય!' આજકાલ સોશિયલ મીડિયા પર લોકોને રાતોરાત અમીર બનાવી દેવાના નામે અનેક ઓનલાઈન કૌભાંડો ચાલી રહ્યા છે. તાજેતરમાં ફેસબુક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં માત્ર 22,000 રૂપિયાનું રોકાણ કરીને દર મહિને 30 લાખ રૂપિયા કમાવવાની મોટી-મોટી વાતો કરવામાં આવી છે. જો તમે પણ સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો થોભી જજો! ભારત સરકારની સત્તાવાર એજન્સી PIB ફેક્ટ ચેકે આ વીડિયોની પોલ ખોલી નાખી છે અને તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવાયેલો તદ્દન નકલી વીડિયો જાહેર કરીને લોકોને સાવધ રહેવા ચેતવણી આપી છે.
આખો મામલો અને વાયરલ વીડિયોની કરામત
ફેસબુક પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં માત્ર પીએમ મોદી અને નાણામંત્રી જ નહીં, પણ દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ઇન્ફોસિસના સુધા મૂર્તિ પણ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં એવો દાવો કરાયો છે કે આ એક એવી શાનદાર સરકારી રોકાણ યોજના છે, જેમાં એકવાર 22,000 રૂપિયા રોકવાથી રોજની 1 લાખ રૂપિયા અને મહિનાની 30 લાખ રૂપિયા સુધીની બમ્પર કમાણી થઈ શકે છે. સાયબર ઠગોએ આ વીડિયો એટલી સફાઈથી એડિટ કર્યો છે કે સામાન્ય માણસ સરળતાથી છેતરાઈ જાય, કારણ કે વીડિયોમાં પીએમ મોદી પોતે લોકોને આ સ્કીમમાં રોકાણ કરવા વિનંતી કરતા દેખાય છે.
પીઆઈબી (PIB) ફેક્ટ ચેકે શું ખુલાસો કર્યો?
જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે સરકારની ફેક્ટ ચેક એજન્સી PIBની નજરે ચડ્યો હતો. એજન્સીએ તેની તપાસ કરીને તરત જ વીડિયો પર 'FAKE' (નકલી)નું લેબલ લગાવી દીધું. PIB એ લોકોને એલર્ટ કરતા સોશિયલ મીડિયા પર લખ્યું:
"ઓનલાઇન 'ઇઝી મની' (સરળતાથી પૈસા કમાવવાના) કૌભાંડોથી સાવધ રહો. ફેસબુક પર AI-જનરેટેડ એક નકલી વીડિયો ફરતો થઈ રહ્યો છે. તે ખોટી રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને રોકાણ પ્લેટફોર્મને સમર્થન આપતા દર્શાવે છે."
સરકારની આવી કોઈ યોજના નથી, સાવધ રહો
PIB ફેક્ટ ચેકે સામાન્ય જનતાને સાવચેત કરતા મહત્વની બાબતો જણાવી છે:
વીડિયો તદ્દન નકલી છે: આ વીડિયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેક ટેકનોલોજીનો દુરુપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.
કોઈ સત્તાવાર મંજૂરી નથી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, નાણામંત્રી નિર્મલા સીતારમણ કે ભારત સરકારે આવી કોઈ પણ રોકાણ યોજના અથવા પ્લેટફોર્મને કોઈ મંજૂરી કે પ્રોત્સાહન આપ્યું નથી.
ઠગોની નવી ચાલ: ડિજિટલ યુગમાં છેતરપિંડી કરનારાઓ હવે મોટા નેતાઓ અને સેલિબ્રિટીઝના ચહેરા અને અવાજનો ખોટો ઉપયોગ કરીને લોકોને વધુ વળતરની લાલચ આપીને ફસાવે છે.
ન્યૂઝ ટીપ: કોઈપણ સ્કીમમાં તમારા મહેનતના પૈસા રોકતા પહેલા અથવા તમારી પર્સનલ અને બેંકિંગ વિગતો શેર કરતા પહેલા સરકારી વેબસાઈટ કે સત્તાવાર સ્ત્રોતો પરથી તેની ચકાસણી અચૂક કરી લો. આવી રાતોરાત અમીર બનાવતી લોભામણી સ્કીમો હંમેશા છેતરપિંડી જ હોય છે. જો તમને આવો કોઈ શંકાસ્પદ વીડિયો દેખાય, તો તરત જ તેની રિપોર્ટ કરો જેથી બીજા લોકો ફ્રોડનો ભોગ બનતા બચે.
