નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા કેમ્પસ 'વાણિજ્ય ભવન'નું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સાથે વડાપ્રધાન મોદીએ એક પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું. પોર્ટલ NIRYAT- ભારતના વિદેશી વેપાર પર જરૂરી તમામ માહિતી માટે વન-સ્ટોપ પ્લેસ હશે.  દરમિયાન, કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નવા ભારતમાં સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સના સફર પર દેશ છેલ્લા આઠ વર્ષથી ચાલી રહ્યો છે. આજે આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આજે દેશને નવા અને આધુનિક કોમર્શિયલ બિલ્ડિંગ તેમજ એક્સપોર્ટ પોર્ટલ બંનેની નવી ભેટ મળી રહી છે.






ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોમર્શિયલ બિલ્ડિંગ પણ આ સમયગાળા દરમિયાન વાણિજ્ય ક્ષેત્રે અમારી સિદ્ધિઓનું પ્રતીક છે. મને યાદ છે કે, શિલાન્યાસ સમયે મેં વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સમાં નવીનતા અને સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આજે આપણે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં 46મા ક્રમે છીએ અને સતત સુધારો કરી રહ્યા છીએ. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને યાદ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દેશના પ્રથમ ઉદ્યોગ મંત્રી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પણ છે. સ્વતંત્ર ભારતને દિશા આપવામાં તેમની નીતિઓ, તેમના નિર્ણયો, તેમના સંકલ્પો, તેમના સંકલ્પોની પરિપૂર્ણતા ખૂબ જ મહત્વપૂર્ણ હતી. આજે દેશ તેમને નમ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે.


418 બિલિયન ડોલર એટલે કે રૂ. 31 લાખ કરોડની નિકાસનો રેકોર્ડ બનાવ્યો


ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકારના પ્રોજેક્ટ વર્ષો સુધી પેન્ડિંગ રહેવા જોઇએ નહીં. તે સમયસર પૂર્ણ થવા જોઇએ. સરકારની યોજનાઓ તેમના લક્ષ્ય સુધી પહોંચે તો જ દેશના કરદાતાનું સન્માન થાય છે. હવે અમારી પાસે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનના રૂપમાં એક આધુનિક પ્લેટફોર્મ પણ છે. જ્યારે નિકાસના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગયા વર્ષે દેશે નક્કી કર્યું હતું કે દરેક પડકાર છતાં, તેણે 400 અબજ ડોલર એટલે કે 30 લાખ કરોડ રૂપિયાની વેપારી નિકાસનો માઇલસ્ટોન પાર કરવાનો છે. પરંતુ આપણે તેને પણ પાર કરતા 418 બિલિયન ડોલર એટલે કે 31 લાખ કરોડ રૂપિયાની નિકાસનો નવો રેકોર્ડ બનાવ્યો છે.